20, મે 2022
લોકસત્તા વિશેષ, તા.૧૯
શહેરમાં વિકાસના કાર્યોમાં ચોકક્સ નજર રાખતી વડોદરા મ્યુ. કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની આંખમાં ધૂળ નાંખવા માટે કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા ૭૫ મીટરના રસ્તાને બારોબાર વુડામાંથી બનાવવાના રચાયેલા કારસામાં મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ વુડાના ચેરમેન તરીકે ખેલ પાડશે. સેવાસીથી વડોદરા-પાદરા રોડને જાેડતા રસ્તાને ખોલવા માટે હજી ટીપી સ્કીમની મંજુરી પણ નથી મળી તેમ છતાં આ રસ્તાની કામગીરી શરુ કરવા માટેની દરખાસ્ત મંગળવારે મળનાર વુડાની બોર્ડ બેઠકમાં રજુ કરવામાં આવશે. શહેરની આસપાસ વુડાના અનેક વિસ્તારો આજે રસ્તાથી વંચિત છે ત્યાં કામગીરી કરવાના બદલે વુડા ચેરમેન દ્વારા કોઈ એક ચોક્કસ રસ્તાને પ્રાધાન્ય આપી કરાઈ રહેલી ગેરકાયદે કામગીરી ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને ટીપીમાં કપાત જતી જમીન પછી પણ ટીપી સ્કીમના વિકાસ માટે પોતાનો ફાળો આપતા જમીન માલિકો અને ખેડુતોના રુપિયાથી થતી ઈન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશનની આવકના નાણાંનો દુરઉપયોગ કરવા તંત્ર સજ્જ થયું હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા એક સપ્તાહથી વુડા અને કોર્પોરેશનના અધિકારીઓ સેવાસીથી વડોદરા-પાદરા રોડને જાેડતા ૭૫ મીટર પહોળા રસ્તાની કામગીરી ચોમાસા પૂર્વે શરુ કરવાની કવાયતમાં લાગી ગયા છે. ખાસ કરીને આ રસ્તામાં આવતી ટીપી સ્કીમ પૈકી ૨૫-બી ટીપી સ્કીમ હજી સુધી રાજ્ય સરકાર પાસે પેન્ડીંગ છે. સામાન્ય રીતે રાજ્ય સરકાર ટીપી સ્કીમના ડ્રાફ્ટને મંજુરી આપે ત્યાર બાદ તેનું જાહેરનામું બહાર પડે અને તે અંગે સ્થાનિક સ્વરાજની સંસ્થાને જાણ કરવામાં આવતી હોય છે. આ જાણ મળ્યા બાદ જે તે ઓથોરીટી ટીપી વિસ્તારના ખેડુતોને નોટીસ આપી ડ્રાફ્ટ મંજુરીની સુચના તથા રસ્તા ખુલ્લા કરવા જણાવતી હોય છે.
આ કિસ્સામાં હજી આવી કોઈ પ્રક્રિયા ૨૫-બી માટે થઈ જ નથી તેમ છતાં મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે ૭૫ મીટર પહોળા રસ્તાની ટેન્ડર પ્રક્રિયા કરવાના આદેશ આપ્યા છે. એટલું જ નહીં આ માટે નિયમ વિરુધ્ધ વુડાની બોર્ડ મિટીંગમાં મંજુરી લેવાનો તખ્તો પણ તૈયાર કરવામાં આવ્યો છે. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર આગામી મંગળવારના રોજ મળનાર વુડાની બોર્ડ બેઠકમાં આ કામગીરી માટે પ્રક્રિયા શરુ કરવાની મંજુરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ રસ્તાનો મોટાભાગનો હિસ્સો કોર્પોરેશન હસ્તક આવે છે ત્યારે કોર્પોરેશન તરફથી રસ્તો બનાવવા માટેની કોઈ વિનંતી કરવામાં આવી નથી તેમ છતાં કમિશનર આ કામે કેમ લાગ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
પશ્ચિમ વિસ્તારમાં સનદી અધિકારીઓના બેનંબરી રૂપિયાના રોકાણની વ્યાપક ચર્ચા
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી સનદી અધિકારીઓના બેનંબરી રુપિયા રોકાતા આવ્યા છે. હાલ શહેરના વધી રહેલા વ્યાપમાં સેવાસીથી જાસપુરના પટ્ટામાં અનેક સનદી અધિકારીઓએ પોતાની કાળી કમાણી ચોક્કસ લોકો સાથે રોકાણ કરી હોવાનું કહેવાય છે. ખાસ કરીને સેવાસીમાં ૭૫ મીટરનો રસ્તો જ્યાંથી શરુ થાય છે ત્યાં નજીકમાં આવેલ એક વૈભવી હોટલના સંચાલક સાથે અનેક સનદી અધિકારીઓને છુપી ભાગીદારી છે. એટલું જ નહીં વિદેશ યાત્રામાં પણ સનદી અધિકારીઓ આ હોટેલીયરની સેવાનો ભરપુર લાભ લેતા હોય છે. ત્યારે આ પટ્ટામાં ક્યા સનદી અધિકારીઓના રોકાણ છે જેના કારણે ઉતાવળે રસ્તાની કામગીરી થઈ રહી છે એવી ચર્ચાએ જાેર પકડ્યું છે.
વુડા બોર્ડમાં દરખાસ્ત જ ગેરકાયદે?
વુડાએ અગાઉ તૈયાર કરેલી ટીપી સ્કીમ પૈકી મોટાભાગનો વિસ્તાર હવે કોર્પોરેશન હસ્તક આવે છે. ત્યારે કોર્પોરેશન હસ્તકના વિસ્તારમાં કોઈ પણ કામગીરી કરવા માટે વુડાએ કોર્પોરેશનને જાણ કરવી પડે અથવા તો કોર્પોરેશન તરફથી વુડાને કોઈ વિનંતી પત્ર મળ્યો હોવો જાેઈએ. પરંતુ આ કિસ્સામાં કમિશનર શાલિની અગ્રવાલ વુડા ચેરમેનનો પણ ચાર્જ ધરાવતા હોઈ કોર્પોરેશનના જાેખમી પ્રોસેસમાંથી પસાર થવાના બદલે આખો ખેલ બારોબાર વુડામાંથી પાડવાનો તખ્તો તૈયાર કર્યો છે. જે માટે મંગળવારે વુડાની બોર્ડ બેઠકમાં મુકવામાં આવનાર દરખાસ્ત જ ગેરકાયદે હોવાનું જાણકારોનું માનવું છે. ટીપી એક્ટ મુજબ જ્યાં સુધી ડ્રાફ્ટ ટીપી સ્કીમને મંજુરી ન મળે ત્યાં સુધી તેમાં કોઈ પ્રક્રિયા કરી શકાતી નથી તેમ છતાં આ પ્રક્રિયામાં નિયમોનો છેદ કોના લાભાર્થે ઉડી રહ્યો છે તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે.
કમિશનર શાલિની અગ્રવાલ સ્વપ્રશસ્તિ માટે ગાંધીનગર શું આંબલી-પીપળી બતાવી આવ્યાં?
વડોદરા તા. ૧૯
શહેરના લાખો નાગરીકો પાણી, ગટર અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી ત્રસ્ત છે ત્યારે નાગરીકોના બેહાલ વચ્ચે વડોદરા મ્યુ. કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલ આજે સ્વપ્રશસ્તિ માટે ગાંધીનગર જઈ કોઈ નવી જ આંબલી-પીપીળી બતાવી આવ્યા હોવાની વાતો સામે આવી છે. આ માટે આજે સવારથી કોર્પોરેશન અને વુડાના અધિકારીઓની ફોજ ગાંઘીનગર પહોંચી ગઈ હતી. જ્યાં કમિશનર તરીકેની એક વર્ષની કામગીરીનું પ્રેઝનટેશન આપવામાં આવ્યું હતું. ત્યારે શહેરમાં એક વર્ષમાં જાે ખરેખર કોઈ નક્કર કામગીરી કરવામાં આવી હોય તો આ પ્રેઝન્ટેશન વડોદરા શહેરની જનતા માટે પણ જાહેર કરવું જાેઈએ તેવી ચર્ચા કોર્પોરેશન વર્તુળમાં ચાલી રહી હતી.
લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર છેલ્લા એક વર્ષમાં કમિશનર તરીકે શાલિની અગ્રવાલે કરેલી કામગીરી (ખેરખર કેટલી તેની ખબર નથી) અંગે ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ એક પ્રેઝનટેશન રાખવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ સમક્ષ રાખવામા આવેલા આ પ્રેઝનટેશનમાં જાણે શહેરની આબોહવા બદલીને કોઈ મોટી કામગીરી કરી દેવામાં આવી હોય તેવું આભાસી ચિત્ર ઉપસાવવામાં આવ્યું હતું. પરંતુ જમીની હકીકત શું છે તે અંગે કોઈ વાત મુકવામાં આવી નથી. ખાસ કરીને આર્થિક રીતે કંગાલિયત અનુભવી રહેલી કોર્પોરેશન વિકાસના નવા કામો તો ઠીક જુની સુવિધાની મરામત કરવા માટે પણ કબાટ સાફ કરીને કામ કરાતું હોવાની છબી ઉપસી છે. ત્યારે આવી ગંભીર સ્થિતિમાં પણ પોતાની વાહવાહી કરાવવા માટે આખી ફોજ લઈ ગાંધીનગર કઈ વાત કરી આવ્યા તે અંગે કોર્પોરેશનમાં પણ ઉત્સુકતા જાેવા મળતી હતી.