વડોદરા, તા.૩૧

 વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે એડવાન્સ વેરા ભરનાર માટે પ્રોત્સાહક વેરાવળ યોજના અમલમાં મૂકી છે. તા. ૧ એપ્રિલથી અત્યારે સુધી વડોદરા મ્યુનિ.કોર્પોરેશનને વેરા પેટે રૂા.૮૭.૧૭ કરોડ ની આવક થઈ છે. આમ આ યોજનાને સારો પ્રતિસાદ મળતા પ્રોત્સાહક વેરા વળતર યોજનાની મુદત એક માસ માટે એટલે તા.૬ જુલાઈ સુઘી કરવા દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજૂ થઈ છે.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તા. ૬ મેથી પાંચ જૂન દરમિયાન એડવાન્સ પ્રોત્સાહક વેરા વળતર યોજના અમલમાં મૂકી છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રહેણાંક બીલો માટે ૧૦ ટકા અને કોમર્શિયલ મિલકતોના બિલો માટે પાંચ ટકા વળતર તેમજ ઓનલાઈન બિલ ભરનારને એક ટકા વધારાનું વળતર આ યોજના અંતર્ગત આપવામાં આવી રહ્યું છે. ત્યારે તા.૧ એપ્રિલ થી અત્યાર સુધી એટલે તા.૩૧મી મે સુઘીમાં વેરા પેટે રૂા.૮૭.૧૭ કરોડની આવક થઈ છે જેમાં મિલકત વેરા પેટે રૂા.૭૦.૬૫ કરોડ, રૂા. ૬.૭૧ કરોડ વ્હિકલ ટેક્ષ અને પાણી ચાર્જ પેટે રૂા. ૬૮.૮૪ લાખ ની આવક થઈ છે. જ્યારે પ્રોફેશનલ ટેક્સ પેટે રૂપિયા ૯.૧૧ કરોડની આવક થઈ છે, ગત વર્ષે વેરાની આવક પેટે રૂા. ૬૦૦ કરોડ જેટલી આવક થઈ હતી.પાલિકાને પ્રોત્સાહક વેરા વળતર યોજનાને સારો પ્રતિસાદ મળતા આ યોજના તા.૫ મી જુને પૂરી થઈ રહી છે.ત્યારે આ યોજના વઘુ એક માસ માટે લંબાવવા દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજૂ કરાઈ છે.