વડોદરા, તા. ૮

શેરખી ખાતે આવેલા અમીન ઓર્ચિડ ફાર્મ હાઉસમાં રહેતા અને એકલવાયુ જીવન ગાળતા જાણીતા ઉદ્યોગપતિ હરીશભાઈ અમીનનું વહેલી સવારે શેરખી ગામની સીમમાં કારમાં ભેદી સંજાેગોમાં જીવતા ભુંજાઈ જવાના ચકચારભર્યા બનાવની તપાસમાં ફાર્મહાઉસના પુર્વકર્મચારીઓએ જ ઉધાર આપેલા ૯૧ લાખ રૂપિયા પરત આપવા ના પડે તે માટે જ હરીશભાઈને કારમાં બેસાડીને જીવતા સળગાવી દઈ હત્યા કર્યાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. આ બનાવમાં જિલ્લા પોલીસે મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

ગોત્રી સેવાસીરોડ પર વેસેન્ઝા અક્ઝોટિકા ફ્લેટની બાજુમાં રહેતા કરણભાઈ હરીશભાઈ અમીન રીઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પિતા જાણીતા ઉદ્યોગપતિ ૬૭ વર્ષીય હરીશભાઈ દાદુભાઈ અમીન પત્ની સહિતના વિશાળ પરિવાર છોડીને સાતેક વર્ષથી શેરખી ગામે મેઈનરોડ પર સોનારકુઈ નજીક આવેલા અમીન ઓર્ચિડ ફાર્મ હાઉસમાં એકલા રહેતા હતા અને ઘરે માટે જમવા માટે આવતા હતા. ગત ૧૮મી મેના વહેલી સવારે શેરખી ગામની સીમમાં મિની નદીના પહેલા વળાંક પર તેમની ઈક્કો કાર રોડસાઈડમાં મુકેલા લોંખડની પાઈપ સાથે અથડાયેલી હાલતમાં તેમજ કાર સળગી જતા કારચાલક હરીશભાઈ અમીનનો પણ કારમાં જ જીવતા ભુંજાઈ ગયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.

આ બનાવની જે તે સમયે તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો પરંતું હરીશભાઈના પરિવારજનોને આ બનાવ અકસ્માત નહી પરંતું યોજનાબધ્ધ રીતે હત્યા કરાઈ હોવાની શંકાઓ વ્યક્ત કરતા જિલ્લા પોલીસની એસઓજીની ટીમે આ પ્રકરણમાં અત્યંત ગુપ્તરાહે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને એવી જાણકારીમળી હતી કે મુળ મહિસાગર જિલ્લાના તાતરોલી ગામનો વતની અને હાલમાં સેવાસીરોડ પર જ્ઞાનકુંજ ફ્લેટમાં રહેતા પ્રવિણ માલિવાડ તેની પત્ની લક્ષ્મી અને ભાઈ ભરત ફાર્મ હાઉસમાં મેન્ટેનન્સ અને સુપરવાઈઝરનું કામ કરતા હતા. બંને ભાઈઓએ હરેશભાઈના હિસાબોનું તેમજ નાણાંકિય લેવડદેવડનું કામ જાેતા હતા ભરતે તેના વતનમાં જમીન ગીરવે લેવા માટે ૭૦ લાખ અને ભરતે ધંધાર્થે ૨૧ લાખ હરેશભાઈ પાસેથી ઉધાર લીધા બાદ તેઓ ગત નવેમ્બર-૨૦૨૧માં કામ છોડીને જતા રહ્યા હતા. હરેશભાઈએ બંને ભાઈઓ પાસે ઉધાર આપેલા ૯૧ લાખ જેવી માતબર રકમની ઉઘરાણી શરૂ કરી હતી અને તે દરમિયાન તેમનું ભેદી સંજાેગોમાં મોત નિપજ્યું હતું. આ વિગતોના પગલે એસઓજીની ટીમે પ્રવિણ, ભરત અને લક્ષ્મીની ગતિવિધિધો તેમજ તેઓના મોબાઈલ ફોનના લોકેશન અને બનાવની રાત્રે તેઓની હાજરી અંગે તપાસ કરી હતી જેમાં ત્રણેય જણા શંકાના ઘેરામાં આવતા પોલીસે ત્રણેયની કડકડાઈથી પુછપરછ કરી હતી જેમાં તેઓ ભાંગી પડ્યા હતા અને તેઓએ હરેશભાઈને ઉધાર આપેલા ૯૧ લાખ પાછા આપવા ના પડે તે માટે તેમની અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને હત્યા કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો.

રાત્રે એક વાગે તમામ આરોપીઓની ફાર્મહાઉસમાં હાજરી હોવાના પુરાવા

આ બનાવની પોલીસે ટેકનીકલ સોર્સના મદદથી તપાસ હાથ ધરી હતી જેમાં રાત્રે એક વાગે ઉક્ત તમામ છ આરોપીઓની અમિન ઓર્ચિડ ફાર્મહાઉસ પાસે હાજરી મળી હતી. એટલું જ નહી હરીશભાઈનું અપહરણ કરીને તેઓને કારમાં જીવતા સળગાવી દીધા બાદ તમામ આરોપીઓએ એક સાથે તેઓના ફોન સ્વીચઓફ પણ કરી દીધા હતા. આ તમામ વિગતો તેઓની હત્યામાં શંકા ઉભી કરતા પોલીસ માટે આ પુરાવા મહત્વની કડીરૂપ સાબિત થયા હતા.

કાર સળગાવવા શહેરના પેટ્રોલ પંપ પરથી કારબો ભરી પેટ્રોલ ખરીદેલું

હરીશભાઈની હત્યા કરી તેમની લાશને સળગાવી દઈ પુરાવાનો નાશ કરવાનું હત્યારાઓએ કાવત્રુ ઘડ્યું હતુ જે મુજબ હત્યારાઓએ વડોદરાના એક પેટ્રોલ પંપ પરથી કારબો ભરીને પેટ્રોલ ખરીદયુ હતું. પોલીસ તપાસમાં પેટ્રોલ પંપના કર્મચારીએ હત્યારાઓને પેટ્રોલ આપ્યું હોવાની કબુલાત કરતા હરેશભાઈની કાર અકસ્માતે નહી પરંતું પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હોવાની વાતને સમર્થન મળતા પોલીસ માટે તપાસ વધુ આસાન બની હતી.

દંપતી સહિત તમામ છ આરોપીઓની ધરપકડ

હરીશભાઈની હત્યાનો ભેદ ઉકેલાતા જ પોલીસે આ હત્યામાં સંડોવાયેલા પ્રવિણ જેનુભાઈ માલિવાડ, લક્ષ્મીબેન પ્રવિણ માલિવાડ (બંને રહે. જ્ઞાનકુંજ ફ્લેટ, સેવાસી રોડ), ભરત જેનુભાઈ માલિવાડ (ગુણવંતીપાર્ક, ગોત્રીરોડ), સોમા પર્વતભાઈ બારિયા, સુનિલ રમેશ બારિયા (બંને રહે.ભુખી ગામ, નિશાળફળિયું, તા.કડાણા, મહિસાગર) અને સુખરામ શંભુભાઈ ડામોર (જવેસી કુંડલા, તા.ફતેપુરા, મહિસાગર) સામે હત્યા, અપહરણ અને પુરાવાનો નાશ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી.

બેભાન થયેલા હરીશભાઈ છેલ્લી ઘડીએ ભાનમાં આવ્યા હતા

હત્યારાઓ હરીશભાઈને પકડીને સિંઘરોટ જવાના રસ્તે કોતરમાં લઈ ગયા હતા અને તેમના માથામાં પથ્થરો તેમજ લાકડીના ફટકા માર્યા હતા. આ હુમલામાં હરીશભાઈ બેભાન થઈ જતા હત્યારાઓને તે મરી ગયા છે તેવુ લાગ્યું હતું જેથી તે તેમને ઈક્કો કારમાં બેસાડી ઘટનાસ્થળે લાવ્યા હતા તેમજ કાર અને તેમને સળગાવી દીધા હતા. જાેકે ભડકે બળી રહેલા હરીશભાઈ છેલ્લી ઘડીએ એકદમ ભાનમાં આવતા તેમણે મદદ માટે કારનો હોર્ન પણ વગાડ્યો હતો પરંતું તે દરમિયાન આખી કાર ભડકે બળતા ત્યાં ભેગા થયેલા રાહદારીઓ પણ તેમને બચાવી શક્યા નહોંતા.

હત્યાનો મુખ્ય સૂત્રધાર ભરત ૪૫ લાખમાં ત્રણ હત્યારા લાવેલો

૯૧ લાખ પરત આપવાના બદલે ભરત અને પ્રવિણ માલિવાડે હત્યાનું કાવત્રુ ઘડયુ હતું. જાેકે આ હત્યામાં વધુ માણસોની જરૂર હોઈ તેઓએ વતનમાં રહેતા સોમાભાઈ,સુનિલભ અને સુખરામનો સંપર્ક કર્યો હતો અને હત્યા કરવા માટે દરેકને ૧૫ લાખ આપવાનું કહી તે કારમાં ત્રણેયને અત્રે લઈ આવ્યો હતો.