લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 |
3267
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી તો સંપન્ન થઇ ગઇ પરંતુ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતનાં પદાધિકારીઓની પસંદગી બાબતે શહેરીજનો તેમજ ભાજપનાં નેતાઓ પણ અટકળો લગાવી રહ્યાં છે. ચૂંટાયેલાં કોર્પોરેટરોનાં નામો સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ જતાં હવે પસંદગી અને નિમણૂંકની પ્રક્રિયા ગણતરીનાં દિવસોમાં પાર પાડવામાં આવશે. આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતમાં ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટનું પણ બે દિવસનું આયોજન કરાયું છે. બે દિવસનાં આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં હોવાથી ઉચ્ચાધિકારીઓ તેમજ મંત્રીઓ તેમાં વ્યસ્ત થઇ જશે પરંતુ તે પહેલાં પદાધિકારીઓની વરણીની વૈતરણી સંપન્ન કરી દેવાની ગણતરી સેવાય છે.
જાે કે, સમગ્ર ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા પંચાયતો, નગર પાલિકાઓ તેમજ તાલુકા પંચાયતોમાં ૮૫થી ૯૦ ટકા બેઠકો ઉપર કબજાે જમાવીને આ વખતે ભાજપે દબદબો જાળવી રાખ્યો હોવાથી ભાજપ મોવડીમંડળ જેટલી બને તેટલી ઝડપથી પદાધિકારીઓની નીમણૂંકની વૈતરણી પાર પાડવાની ફિરાકમાં હોવાનું જણાઇ રહ્યું છે.
સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલાં સભ્યોનાં નામો ચૂંટણી અધિકારીઓ દ્વારા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. જેમાં સુરત મહાનગર પાલિકાનાં નવા ચૂંટાયેલાં કોર્પોરેટરોનાં નામો આજે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ જતાં હવે મેયર, ડેપ્યુટી મેયરની વરણી તેમજ સ્થાયી સમિતિનાં ૧૨ સભ્યોની નીમણૂકનો માર્ગ ખુલ્લો થઇ ગયો છે. ગેઝેટમાં કોર્પોરેટરોનાં નામો પ્રસિદ્ધ થઇ જતાં ગુજરાત સરકારનાં શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેરનામુ ઇશ્યુ કરી સુરત મહાનગર પાલિકા માટે મ્યુનિસિપલ કમિશનર તેમજ સુરત જિલ્લા પંચાયત માટે જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપશે. મ્યુનિસિપલ કમિશનર નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની યાદી સાથેનો પત્ર સેક્રેટરી બ્રાન્ચને મોકલશે જેને આધારે સામાન્ય સભા બોલાવવામાં આવશે. પ્રથમ સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયરની વરણી કરવા ઉપરાંત સ્થાયી સમિતિનાં ૧૨ સભ્યોની પણ વરણી કરવામાં આવે છે.
સ્થાયી સમિતિનાં ૧૨ સભ્યોની વરણી કરવામાં આવ્યા બાદ પ્રથમ બેઠકમાં સમિતિનાં અધ્યક્ષની પસંદગી કરાતી હોય છે જાે કે, જે ૧૨ સભ્યોની વરણી કરાય છે તેમાં સામાન્ય રીતે પ્રથમ નામ હોય તે સ્થાયી સમિતિ અધ્યક્ષ હોવાનું પક્ષ દ્વારા પ્રસ્થાપિત કરાતું હોય છે. આ સાથે ભાજપ દ્વારા પક્ષ નેતાની પણ નીમણૂંક કરવામાં આવશે અને ત્યારબાદ વિવિધ સમિતિઓની મીટિંગ બોલાવવામાં આવશે જેમાં જે તે સમિતિનાં અધ્યક્ષની વરણી કરવામાં આવશે. ગેઝેટમાં નામો પ્રસિદ્ધ થઇ જતાં હવે આગામી સપ્તાહમાં જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની પસંદગી થઇ જવાની હોવાથી ભાજપનાં નેતાઓમાં ફરી સળવળાટ શરૂ થઇ ગયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલનાં જુથનાં કોર્પોરેટરોએ છેલ્લી ઘડીનાં પ્રયાસો હાથ ધર્યાં છે. મળતી માહિતી મુજબ ભાજપનાં પ્રદેશ નિરિક્ષકો શનિવારે આવીને પદાધિકારીઓ માટે સેન્સ લેનાર હોવાનું જાણવા મળે છે.