વડોદરા, તા.૧૮

નવસારીની યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજારાયા બાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં કરેલી આત્મહત્યાના ચકચારી બનાવમાં પીડિતા જે એનજીઓ સંસ્થા ઓએસીસમાં કામ કરતી હતી એની ઉપર અનેક સવાલો અને શંકાઓ ઊભી થઈ છે. એક ખાનગી ચેનલે આપેલા સમાચારમાં ઓએસીસ સંસ્થા અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો હોવાનો આરોપ એક પૂર્વ સરપંચના હવાલાથી લગાવ્યો છે. બીજી તરફ પોલીસની તપાસમાં પણ સંસ્થાના જવાબદાર વ્યક્તિઓએ પુરાવાઓનો નાશ કર્યો હોવાનું ફરિયાદમાં નોંધી તપાસમાં સહકાર નહીં અપાતો હોવાનું જણાવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જેના પગલે હવે ઓએસીસ સંસ્થા ખુદ શંકાના દાયરામાં આવી હોવાનું લાગી રહ્યું છે.

શહેર નજીક સિંધરોટની સીમમાં અગાઉ ૧૯૯૮ની સાલમાં ઓએસીસને સરકારી જમીન ફાળવવામાં આવી હતી, જ્યાં ડોમ અને બંકરો બનાવી દીધા બાદ ગામવાસીઓને આસપાસ ફરકવા પણ નહીં દેવાતાં ગ્રામ્યજનોએ અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાની શંકા દર્શાવી સંબંધિત વિભાગને ઉગ્ર રજૂઆત કરી હતી. જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. ગ્રામ્યજનોએ એ સમયે સંસ્થાના પરિસરમાં યુવતીઓ નગ્ન ફરતી હોવા ઉપરાંત સ્વચ્છંદી વર્તન અને આચરણ કરાતું હોવાની રજૂઆત બાદ કલેકટરે આપેલી જમીન પરત મેળવી લીધી હતી. આજે એક પ્રાદેશિક ચેનલના પત્રકાર અને કેમેરામેને સિંધરોટ ગામ અને અગાઉ ઓએસીસને ફાળવેલી જમીનની મુલાકાત લીધી હતી.

એ દરમિયાન સિંધરોટના પૂર્વ સરપંચે ઓએસીસ સંસ્થા જ્યારે અહીંયાં હતી ત્યારે અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો અને ગામના યુવાનો, બાળકો ઉપર ખરાબ સંસ્કારો પડે એવી પરિસ્થિતિ ઊભી થતાં આ સંસ્થા વિરુદ્ધ મામલતદાર અને કલેકટરને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. ત્યાર બાદ કલેકટરે ઓએસીસને સિંધરોટ ખાતે ફાળવેલી જમીન રદ કરી હતી. જાે કે, સંસ્થાના ટ્રસ્ટીઓ પાવરફૂલ હતા. અમારી લડાઈને તોડી પાડવા માટે પણ પ્રયત્નો થયા હતા, પરંતુ ગ્રામ્યજનો મક્કમ રહેતાં અંતે કલેકટરે જમીન ફાળવણીનો હુકમ રદ કર્યો હતો. જાે કે, આજે પણ સંસ્થા દ્વારા બનાવાયેલા ડોમ અને એની અંદર ભૂલભૂલામણીવાળા બાંધકામમાં અનૈતિક પ્રવૃત્તિઓ અન્ય દ્વારા થતી હોવાના પુરાવાઓ ખાનગી ચેનલના રિપોર્ટર અને કેમેરામેને કંડાર્યા હતા. આમ, ખાનગી ચેનલના ઓએસીસ સંસ્થા અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ શહેરમાં ખાસ કરીને ઉચ્ચ શિક્ષિત અને ભદ્ર સમાજમાં ચકચાર જાગી છે.

સિંધરોટ ઓએસીસ ડોમ બંકરનો અસામાજિક તત્ત્વો ઉપયોગ કરે છે

સિંધરોટ ખાતે વર્ષો અગાઉ ઓએસીસના વિવાદાસ્પદ બાંધકામમાં આજે જયારે ખાનગી ચેનલના પત્રકાર કેમેરામેન પ્રવેશ્યા ત્યારે ભેદી અને આપતીજનક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનુ નજરે પડયું હતું. જાે કે અવાવરૂ પડેલા આ ડોમનો અન્યો પણ ઉપયોગ કરતાં હોય એમ વપરાયેલા કોન્ડોમ અને ખાલી રેપર ખોખાઓ મળ્યા હતા.