વડોદરા, તા.૨૫

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્યસભામાં વિપક્ષના કોંગ્રેસના કાઉન્સિલરોએ અગોરા બિલ્ડરે વિશ્વામિત્રી નદીના પટમાં ગેરકાયદે બનાવેલી દીવાલ તોડવાની માગ સાથે પ્રોટેકશન વોલ બનાવવી હોય તો તેને જે જગ્યા ફાળવી છે ત્યાં બનાવે જેવા મુદ્દે કોંગ્રેસ આંદોલન ચાલુ રાખશે અને જાે ગેરકાયદે બનાવેલ રિટેનિંગ વોલ નહીં તોડવામાં આવે તો આગામી સભાના ફ્લોર પર બેસી જઈશું તેવી ચીમકી આપી હતી.

મેયર કેયુર રોકડિયાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં સમા-મંગલ પાંડે બ્રિજ પાસે અગોરા સિટી મોલના બિલ્ડર દ્વારા ગેરકાયદે પચાવી પાડેલી સરકારી જગ્યા અને વિશ્વામિત્રી નદીના પટમાં દીવાલ બાંધીને નદીના પાણીને અવરોધતાં કરેલા દબાણ અંગે આક્રમક રજૂઆત કરી હતી. વોર્ડ નં.૧ના કાઉન્સિલર જહા ભરવાડે જણાવ્યું હતું કે, દિવાળી પૂર્વે સભામાં અગોરાની જમીન પાછી લેવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ જે જમીન કલેકટર હસ્તકની છે, જે કોર્પોેરેશન કેવી રીતે પાછી લઈ શકે. જ્યારે ગેરકાયદે દીવાલ નદીના પટમાં બનાવેલી છે તેને તોડી પાડી જે જગ્યા ખરેખર ફાળવી છે તે જગ્યામાં બનાવે અને ગેરકાયદે બનાવેલ દબાણ સંદૃભે અમારું આંદોલન ચાલુ જ રહેશે તેમ કહ્યું હતું.જ્યારે સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ કહ્યું હતું કે, મેયરે અધ્યક્ષસ્થાનેથી જાહેરાત કરી હતી કે બિલ્ડરે લીધેલી ૧ લાખ ચો.મી. જેટલી વધારાની જમીન પાછી લેવાશે, જે સરકારની હતી. ત્યારે સરકારની જમીન સંદર્ભે જાહેરાતનો અધિકાર મેયરને છે? જાે કે, ભાજપાના કાઉન્સિલરે કહ્યું હતું કે, મેયરની જાહેરાત બાદ કોંગ્રેસના સભાસદે જ ફટાકડા ફોડ્યા હતા. જાે કે, પુષ્પાબેન વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, મેયરે કરેલી જાહેરાત એ અધૂરી જાહેરાત છે. ગેરકાયદે બાંધેલી દીવાલનું શું? અમે સમજાેતા એક્સપ્રેસમાં નથી માનતા, તે દિવસે પણ અમે વિરોધ કર્યો હતો.

રિટેનિંગ વોલ અંગે કોર્પોરેશનના અધિકારીનો ડિસેમ્બર, ૨૦૧૫માં વિશ્વામિત્રીના વોટર કોર્સમાં કરવામાં આવતી રિટેન વોલની કામગીરી બંધ રાખવા પત્ર લખ્યો છે. ત્યાર પછી તેમની તરત જ ટ્રાન્સફર થઈ ગઈ હતી. ગેરકાયદે પપ મીટર જમીનમાં બનાવેલ દીવાલના કારણે સમા, વેમાલી, દેણા અને હરણીના રહીશોના જીવ પર જાેખમ ઊભું કર્યું છે. આ ઉપરાંત ઈએમઈ રોડ ક્રોસ કરીને નાખેલી પાઈપો પણ બંધ કરી દીવાલ બનાવી છે, સાથે આ જગ્યા પૈકી કેટલીક ગ્રીનબેલ્ટની પણ છે. શું ગ્રીનબેલ્ટની જગ્યામાં રજાચિઠ્ઠી આપી શકાય? સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કહ્યું હતું કે, બિલ્ડરે જેટલા ગેરકાયદે કામ કર્યા છે તેની સામે તમારી કોઈની બોલવાની તાકાત નથી. અમે વિરોધ કરતા આવ્યા છીએ. આવા અનેક બિલ્ડરોએ ગેરકાયદે કૃત્ય કર્યા છે. ત્યારે વિપક્ષના નેતા અમીબેન રાવતે કહ્યું હતું કે, કોંગ્રેસની પાછલા છ વર્ષથી માગ એ રહી છે કે રિટેનિંગ વોલની દીવાલ થઈ છે તે દૂર કરવાની રહી છે. આ અંગે અનેક પુરાવા આપ્યા. એનજીટીનો ઓર્ડર પણ આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વામિત્રી નદીનું ડિમાર્કેશન કરીને જેટલા દબાણો હોય તે તમામ દૂર કરવામાં આવે તેવી માગ કરી હતી.

બિલ્ડરે કંપાઉન્ડ વોલ બનાવવાની કામગીરી શરૂ કરી છે ઃ બિલ્ડર વતી મેયરનો બચાવ

મેયરે કહ્યું હતું કે, સરકારી વધારાની જગ્યા બિલ્ડરે પચાવી પાડી છે તેને છોડી બિલ્ડરને ફાળવેલી જગ્યા પર કંપાઉન્ડ વોલ કરવા કહ્યું હતું, તે મુજબ દિવાળી બાદ સૂચના આપી દેવામાં આવી છે અને તે મુજબ બિલ્ડર દ્વારા તેની જગ્યાને ફરતે કંપાઉન્ડ વોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.