વડોદરા, તા.૧૦

લૉકડાઉનમાં પ્રતિબંધો હળવા થયા છે પરંતુ હજુ સુધી પૂરેપૂરી છૂટછાટ નહીં હોવા છતાં કોરોના મહામારી ઝડપથી ફેલાઈ શકે એવા ધંધાર્થીઓને પરવાનગી આપવામાં આવી નથી. ત્યારે અક્ષરચોક વિસ્તારમાં કોવિડની ગાઈડલાઈનનો ભંગ કરી સ્પા ચલાવતા સંચાલક અને માલિક સામે પીસીબીએ ગુનો નોંધી સંચાલકને ઝડપી પાડયો છે.

હાલમાં વડોદરા સહિત રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ ફરકયૂ તેમજ દિવસ દરમિયાન નિયંત્રણો સાથે વેપાર-ધંધા શરૂ કરાયા છે. ત્યારે અક્ષરચોક વિસ્તારમાં આવેલ બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પા ચાલતો હોવાની બાતમીના આધારે પીસીબીના પીઆઈ જે.જે.પટેલને સૂચના આપી હતી. પીસીબીની ટીમે અક્ષરચોક પાસે આવેલ ધ પાર્ક કોમ્પલેક્સમાં તપાસ કરતાં બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પા ચાલુ હતું અને છ જેટલા ગ્રાહકો પણ હાજર હતા. પરિણામે પીસીબની ટીમે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ સ્પાના સંચાલક પ્રિતેશભાઈ પ્રમોદભાઈ મિસ્ત્રી (રહે. જયનારાયણ સોસાયટી, રણોલી ગામ)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સ્પાના માલિક કમલેશભાઈ શંકરભાઈ બુલચંદાણી (રહે. ફલેટ નં.૯૧૦, કલ્પનાવન સોસાયટી, ને.હા. રાજકોટ) સામે પણ ગુનો નોંધી શોધખોળ આદરી છે.