જૂનાગઢ, મધુરમના મારૂતી નગરમાં ૮ વર્ષ પછી પણ રોડ ન બનતા સ્થાનિક લોકોએ ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચિમકી ઉચારી છે. આ અંગે સ્થાનિક રહેવાસી પ્રવિણભાઇ સોલંકીએ જણાવ્યું છે કે, વોર્ડ નંબર ૧૩માં આવેલ મધુરમમાં મારૂતીનગર સોસાયટી આવેલ છે. આ સોસાયટીમાં છેલ્લા ૮ વર્ષથી રોડ જ બન્યો નથી. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે.

આ અંગે સ્થાનિક કોર્પોરેટરને ફરિયાદ કરતા ઉડાઉ જવાબ આપી દેવાયા છે. રોડ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની અનેક રજૂઆત છત્તાં સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ કોઇ જાેવા પણ આવ્યું નથી. અગાઉની ચૂંટણી વખતે રજૂઆત કરતા મત મેળવવા માટે ખોટા વાયદા અપાયા હતા. હાલ રોડ ઉપરાંત સફાઇ, પૂરતી સ્ટ્રીટ લાઇટની તેમજ પીવાના પાણીની સુવિધા નથી. ત્યારે આ વિસ્તારના ૪૦થી વધુ રહેવાસીઓએ સહિ કરી આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.