વડોદરા, તા.૭ 

કામદારોની બંધારણીય યુનિયન પ્રવૃત્તિને તોડી પાડવા અને શ્રમિક વિવાદો અને ઔદ્યોગિક વાટાઘાટોમાં પોલીસની બેફામ વધતી જતી દખલગીરી અને પાસાના કાયદાનો દુરુપયોગ કરીને કામદાર નેતાઓની થતી ધરપકડના વિરોધમાં સંયુક્ત કામદાર સમિતિ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપ્યું હતું.

મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રીને સંબોધીને કરી આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, માલિક અને શ્રમિક વચ્ચેના સંબંધોમાં ઉદ્યોગપતિઓ દ્વારા કામદારોને દબાવવા માટે પોલીસ ખાતાનો બેફામપણે દુરુપયોગ થઈ રહેલ છે. પોલીસ ખાતાનો દુરુપયોગ અને દરમિયાનગીરી ફેકટરીઓની અંદર અને ઔદ્યોગિક વિસ્તારમાં, કામદારોમાં ભય ઊભો કરવા અને તેમને ભેગા થઈ કાયદેસર અને યર્થાત - તર્કસંગત સંગઠન ઊભું કરવાના હક્કોને દબાવવા થઈ રહ્યા છે તેવા આક્ષેપ કર્યા હતા.

જ્યારે પાસાનો ઉપયોગ કંપનીમાં નોકરી કરતા કામદાર આગેવાનીની ધરપકડ કરવા અને તેમના ઉપર ત્રાસ ગુજારવા તેમજ ડર પેદા કરવા પોલીસ વિભાગ કરી રહેલ છે. કામદારોને તેમનું યુનિયન ઊભું કરતાં રોકવા અને પ્રજામાં દહેશત અને ભયનું વાતાવરણ ઊભું કરી કામદારોના આંદોલનને કે અવાજને દબાવવાનો સુવ્યવસ્થિત પ્રયાસ થઈ રહેલ છે તેવો આક્ષેપ પણ કરાયો હતો. તાજેતરમાં મંજુસરની કંપનીના કામદાર યુનિયનના નેતાને કરાયેલ પાસા અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસ વિભાગે ઔદ્યોગિક વિવાદથી દૂર રહેવા અને યુનિયન અગ્રણી સામે થયેલ પાસાનો હુકમ રદ કરવાની માગ કરી છે.