ફતેપુરાથી કારેલીબાગ પો.સ્ટેશન સુધી રોડ પરના દબાણો દૂર કરાયાં
16, ડિસેમ્બર 2021 2178   |  

વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે શહેરના ફતેપુરા વિસ્તારમાં રસ્તાને નડતરરૂપ લારી-ગલ્લા હટાવવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન દબાણ ટીમના કર્મચારીઓ અને રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું તે દરમિયાન એક મહિલાએ લારીની આગળ નીચે બેસી જઈ વિરોધ કર્યો હતો ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડયો હતો. પાલિકાની ટીમે લારી, ગલ્લા સહિત બે ટ્રક સામાન જપ્ત કર્યો હતો અને શેડ વગેરેના દબાણો દૂર કરીને રસ્તો ખૂલ્લો કર્યો હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે ફતેપુરા પાંજરીગર મહોલ્લાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના માર્ગ ઉપર આડેધડ લારી-ગલ્લા તેમજ શેડ સહિતના વધી ગયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા સવારથી કારેલીબાગ પોલીસ મથકના બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરતા લારી-ગલ્લાવાળા એકઠા થઇ ગયા હતા અને દબાણ શાખાને દબાણો દૂર ન કરવા તેમજ લારીઓ ન લઇ જવા માટે ઘર્ષણમાં ઉતર્યા હતા.જાે કે, એક તબક્કે દબાણ શાખાની ટીમના કર્મચારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે લારી-ગલ્લા ઉઠાવવાના મુદ્દે ઘર્ષણ થયું હતું. દરમિયાન એક મહિલાએ લારીની આગળ બેસી જઈ કોર્પોરેશનની ટીમને તેની લારી લઈ જતાં રોકી દીધી હતી, જેને કારણે પોલીસની મદદ લઇ તાત્કાલિક અસરથી કામગીરી કરી શરૂ કરી અને માર્ગ પર નડતરરૂપ લારી-ગલ્લા, પતરાના શેડ સહિતના દબાણો દૂર કરીને બે ટ્‌ક જેટલો સામાન જપ્ત કર્યો હતો અને રસ્તો ખૂલ્લો કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution