સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ એના ચાહકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. કોઈ એમના વીડિયો શેર કરી રહ્યા છે તો કોઈ એનો ફોટો શેર કરી એને યાદ કરી રહ્યા છે. સુશાંતસિંહ બિહારનો રહેવાસી હતો. બિહારના પૂર્ણિયા નગરમાં મેયર સવિતાસિંહે નગર નિગમ તરફથી સુશાંતસિંહને ખાસ શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

એમના નામે પૂર્ણિયાનગરમાં એક ચોકનું અને રસ્તાનું નામ રાખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ અનાવરણના ફોટો વાયરલ થઈ રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂતના સન્માનમાં મધુબની ચૌકથી માતા ચૌક સુધીના રસ્તાનું નામ પણ સુશાંતસિંહ રાજપૂત માર્ગ રાખવામાં આવ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, અનાવરણ વખતે અનેક લોકો ઉમટી પડ્યા હતા.

દરેક ચાહકો આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરવા માગતા હતા. સુશાંતસિંહના નિધન બાદ સોશિયલ મીડિયા પર CBI તપાસ માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ચાહકો સતત એ કહે છે કે, આ કેસમાં CBI તરફથી તપાસ થવી જોઈએ. તા. 14 જૂનના રોજ સુશાંતસિંહે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. તાજેતરમાં તેની છેલ્લી ફિલ્મનું ટ્રેલર પણ રીલિઝ થયું હતું.

જેને એક જ દિવસમાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો. બિહારના પૂર્ણિયાનગરમાં ફોર્ડ કંપની ચોકનું નામ બદલીને સુશાંતસિંહ રાજપૂત ચોક કરી દેવાયું છે. એમના નિધન બાદ બોલિવુડમાં નેપોટિઝમને લઈને સોશિયલ મીડિયા પર અનેક મોટા કલાકારોએ મોટા અને ચોંકાવનારા નિવેદન આપ્યા હતા. મેયર સવિતાસિંહે બિહાર અને ભારત સરકાર પાસે સુશાંતસિંહના કેસમાં CBI તપાસની માગ કરી છે.

તેમણે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને વડાપ્રધાન મોદીને આ મામલે એક ખાસ પત્ર પણ લખ્યો છે. તેમણે જણાવ્યું કે, મને બિહાર અને ભારત સરકાર પર પૂરો ભરોસો છે કે, સરકાર આ કેસમાં CBI તપાસ કરાવશે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 34 લોકોના નિવેદન પોલીસે નોંધ્યા છે. જેમાં એમના પરિવારના લોકોથી લઈને સંજયલીલા ભણસાલી જેવા ડાયરેક્ટર સુધીના લોકોનો સમાવેશ થાય છે. પોલીસે સંજયલીલા ભણસાલીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં 30 જેટલા પ્રશ્નો કર્યા હતા. હવે પોલીસ કોને નિવેદન માટે બોલાવે છે એના પર આ કેસમાં સૌની નજર છે. આ કેસમાં CBI તપાસ માટેની માગ મજબૂત બની રહી છે.