સુરત-

રાજ્યના જૂનાગઢ જિલ્લામાંથી છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા ત્યારે હવે 'લૂંટેરી દુલ્હન ગેંગ' સુરત શહેરમાં પણ સક્રિય થઈ છે. સુરતમાં લગ્ન કરવા આવેલા કર્ણાટકના વેપારીને કડવો અનુભવ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ કર્ણાટકના ઝુમ્મરના વેપારીને પરિચીત દ્વારા સુરતમાં લગ્ન કરવા માટે દલાલનો સંપર્ક થયો હતો. આ દલાલે એક યુવતી બતાવી હતી જેની સાથે વેપારીએ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. જાેકે, વેપારી પોતાની માતા અને સ્વજનો સાથે લગ્ન કરવા આવ્યો ત્યારે તેણે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે તે કોઈ ગેંગનો શિકાર બની ગયો છે.

આ વેપારીએ મંદિરમાં ફૂલહાર કરી અને લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ કન્યા સાથે કારમાં પરત આવી રહ્યા હતા ત્યારે વૉશરૂમ જવાના બહાને કન્યાએ કાર રોકાવી હતી. જાેકે લાંબો સમય સુધી કન્યા બહાર ન આવતા વેપારીના પરિવારે શોધખોળ શરૂ કરી હતી. થોડીવાર બાદ દલાલ ગેંગનો સંપર્ક કરતા તેમના ફોન પણ બંધ આવતા હતા. આમ ગણતરીની કલાકોમાં ઝુમ્મરના વેપારીના અરમાનો સાથે ૧.૯૬ લાખ રૂપિયા પણ ધોવાઈ ગયા હતા.બનાવની વિગતો એવી છે કે કર્ણાટકના ચિકમંગલુરમાં નકુલ લાઇટસના નામે ઝુમ્મરનો ધંધો કરતા અને મૂળ મુંબઈ ભાયંદરના વતની ૩૮ વર્ષીય અંકીત જૈને લગ્ન કરવા માટે કરણ સાંવત મારફતે સતીશ પટેલનો સંપર્ક કર્યો હતો. અંકીત સુરત આવ્યો હતો જ્યાં સતીશ પટેલ સાથે વરાછા મણીબા પાર્ક સોસાયટીમાં એક છોકરી બતાવી હતી. ત્યાં મેળ પડ્યો ન હતો. પછી સતીશે સોશિયલ મીડિયા થકી અન્ય છોકરીઓના ફોટો મોકલ્યા હતા. જેમાં સ્વાતી ભટ્ટ નામની છોકરી પસંદ આવી હતી.સ્વાતી સાથે લગ્ન કરવા તેના ભાઈને ૨.૨૦ લાખ અને દલાલીના ૨૦ હજાર આપવાની વાત કરી હતી. સતીશે પાછો વેપારીને કોલ કરી ૧.૭૦ લાખ યુવતીના ભાઈને અને ૨૦ હજાર દલાલી ફાઇનલ કરી હતી.૪ જુને વેપારી લગ્ન કરવા માતા સાથે સુરત આવ્યો હતો. વેપારીના માતાએ સ્વાતીને સોનાની વીટી, ઝાંઝર તથા બીછીયા તેમજ એક સાડી આપી લગ્ન કરવા કાપોદ્રામાં તાપી કિનારે મંદિરે ગયા હતા. જ્યાં હારતોળા કર્યા બાદ સાત ફેરા માટે પંડિતના ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં સ્વાતીએ વોશરૂમની વાત કરી કાર ઊભી રખાવી રફુચક્કર થઈ હતી.સ્વાતી અને ટોળકીએ ૧.૯૬ લાખના દાગીના -રોકડ લઈને ફરાર થઈ હતી. વેપારીને આ મામલે છેતરપિંડી થઈ હોવાનો અહેસસા થતા તેણે વરાછાના દંપતિ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે એકની અટકાયત કરી છે.