વડોદરા : બેન્કોનું રૂા.૧૫ હજાર કરોડ ઉપરાંતનું ફુલેકુ ફેરવી સરકારના અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કથી વિદેશ ભાગી ચૂકેલા સાંડેસરાબંધુઓની કંપની સ્ટર્લિંગ બાયોટેકની મિલકતોની હરાજી થવા જઈ રહી છે. સેફ પેસેજ મેળવી વિદેશ ભાગી છૂટેલા સાંડેસરાની મિલકતોની હરાજી અંગે ફડચા અધિકારી દ્વારા આ અંગે અખબારોમાં જાહેર નોટિસ આપવામાં આવી છે. જાે કે, કૌભાંડ પૈકીની બહુ ઓછી રકમ ૫૪૮ કરોડની મિલકતની હરાજી થવાની છે. પરંતુ એક બાદ એક બીજી મિલકતોનો પણ વારો આવશે એમ વ્યાપારિકવર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

વડોદરામાં એક સમયે જાણીતું નામ એવા નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા દ્વારા સ્ટર્લિંગ બાયોટેક લિ. શરૂ કરવામાં આવી હતી. જાે કે, થોડાક સમય બાદ સાંડેસરાબંધુઓનું હજારો કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું અને હાલ કંપની સામે ફડચાની કાર્યવાહી એનસીએલટીમાં ચાલી રહી છે. ત્યારે હવે ફડચા અધિકારી એડ્‌વોકેટ મમતા બિનાનીની દેખરેખ હેઠળ કંપનીની રૂા.૫૪૮ કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે, જે અંગે આજરોજ પબ્લિક નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

સ્ટર્લિંગ બાયોટેક લિ.ના નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાનો વડોદરા નહિ સમગ્ર રાજ્ય અને મુંબઇ તથા દિલ્હી સુધી દબદબો હતો. વડોદરામાં જાણીતા ગરબાનું આયોજન દર વરસે સાંડેસરાબંધુઓ દ્વારા કરવામાં આવતું હતું અને બિઝનેસ વર્તુળોમાં તેમની ભારે પકડ હતી. જાે કે, સાંડેસરાબંધુઓનો દબદબો અને સ્ટર્લિંગ જૂથની ખ્યાતિ ઝાઝો સમય લાંબી ટકી ન હતી. સ્ટર્લિંગ બાયોટેક લિ.ના સંચાલકો નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા સ્ટર્લિંગ જૂથની અન્ય કંપનીઓની મળીને હજારો કરોડ રૂપિયાનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં પ્રથમ સીબીઆઇ અને ત્યાર બાદ દેશની અગ્રણી તપાસ સંસ્થાઓ તપાસ અર્થે જાેડાઇ હતી. હાલ સાંડેસરાબંધુઓ સહપરિવાર દેશની બહાર છે અને સરકારની પકડથી દૂર છે.

વર્ષ ૨૦૧૯માં સ્ટર્લિંગ બાયોટેક લિ. સામે ફડચા અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી હતી. હાલ ફડચા અધિકારી તરીકે એડ્‌વોકેટ મમતા બિનાની છે. કંપની સામે એનસીએલટીમાં ફડચાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આજરોજ પ્રચાર માધ્યમોમાં પબ્લિક નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી. નોટિસ પ્રમાણે સ્ટર્લિંગ બાયોટેક લિ.ની રૂા.૫૪૮ કરોડની સંપત્તિનું ઓનલાઇન ઓક્સન એટલે કે ઓનલાઇન હરાજી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૯ સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન હરાજી યોજાશે. ઓનલાઇન હરાજીમાં ભાગ લેવા માટે ઇચ્છતા લોકો ફડચા અધિકારીનો સંપર્ક કરી શકે છે.

----------------

‘’