પંચમહાલ-

આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરુ થવા જઈ રહી છે ત્યારે નવરાત્રી પર્વમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે, નવરાત્રી સિવાય પણ દરરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘસારો પાવાગઢ ખાતે રહેતો હોય છે, ત્યારે હાલ ચાલી રહેલ કોરોના વાયરસના સેકન્ડ વેવને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડી તમામ જાહેર સ્થળો અને યાત્રાધામોને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે આજરોજ પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે પ્રેસ બ્રીફ કરીને જાહેરાત કરવા માં આવી છે કે આગામી ૧૨ એપ્રિલથી શરુ થતી ચૈત્રી નવરાત્રી દરમ્યાન નિજ મંદિર દર્શનાર્થી માટે બંધ રાખવામાં આવશે, આગામી ૧૨ એપ્રિલથી ૨૮ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે પાવાગઢના દ્વાર બંધ કરી દેવામાં આવશે, જો કે ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠો માટે અનેરું મહત્વ હોઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમ્યાન નિયત પૂજા વિધિ કરવામાં આવશે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી આગામી ૧૨ થી ૨૮ એપ્રિલ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રિના દિવસો દરમ્યાન માતાજીના ઓનલાઈન દર્શન થઈ શકે તે પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.