પાટડી સુરેન્દ્રનગરના પાટડી ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું શનિવારના રોજ અનાવરણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, રાજયના મંત્રી કિરીટસિંહ રાણા અને પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી ઉપરાંત મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજયમાં આ માસના પ્રારંભમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ અગાઉની રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મુકીને નો રીપીટ થિયરી સાથેની સરકાર રચવામાં આવી હતી અને તે બાદ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ખૂબ જ અપસેટ જણાતા હતા.તેઓએ અનેક વખત પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો પણ ભાજપમાં આ ફેરફાર મોદી-પાટીલની ફોર્મ્યુલા પર થયા હોવાના સંકેત વચ્ચે મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણી અને તેમના મંત્રીમંડળના રાજીનામા બાદ શનિવારના રોજ પ્રથમ આયોજન હતું અને તેમાં સી.આર.પાટીલની સાથે નિતીન પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમાંય સંગઠન મહામંત્રી રત્નાકરની હાજરી ખાસ કહી જાય છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.