દિલ્હી-

દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર તાજા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 25,404 નવા કોરોના કેસ આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 339 કોરોના સંક્રમિતોના મોત થયા છે. રાહતની વાત એ છે કે 37,127 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. કેરળમાં પણ કોરોના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. તો રાજ્યના 14 જિલ્લાઓમાંથી ત્રિશૂરમાં કોવિડના સૌથી વધારે 2158 કેસ સામે આવ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 15,058 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે, તો 99 લોકોના મોત થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 13 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 75 કરોડ 22 લાખ 38 હજાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ગત દિવસે 53.38 લાખ ડોઝ લગાવવામાં આવ્યા. તો ICMR પ્રમાણે અત્યાર સુધી 54.45 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. ગઇકાલે લગભગ 15 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.33 ટકા છે, જ્યારે રિકવરી રેટ 97.54 ટકા છે. એક્ટિવ કેસ 1.13 ટકા છે.