હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજેલ માં મહાકાલી માતાજીનું મંદિર જે ૫૧ શક્તિપીઠમાની એક છે , ત્યાં દર વર્ષે લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે હાલમાં શ્રી કાલીકા માતાજી મંદિર અને તેની આસપાસના વિસ્તારનું ડેવલોપમેન્ટનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે, માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય આખરી તબક્કામાં છે. ત્યારે આગામી ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શનાર્થે દરરોજ લાખો માઈભક્તો આવનાર હોઈ, ભાવિકભક્તોને કોઈ અગવડના પડે અને સુચારૂ રૂપથી ભક્તો દર્શન કરી શકે તેના આગોતરા આયોજનના ભાગ રૂપે શ્રી કાલીકા મંદિર ટ્રસ્ટ ને વહિવટીતંત્ર દ્વારા આગામી તા.૮/૦૩/૨૧ થી ૧૩/૦૩/૨૧ ને શનિવાર આમ છ દિવસ સુધી મંદિરને ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યુ હતું. જ્યારે તા.૧૪/૦૩/૨૧ થી મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લું મુકવામાં આવનાર હોવાનું જણાવેલ હતું. જ્યારે મંદિર બંધ રહેશે દરમિયાન ભક્તો મંદિરની વેબ સાઈટ પર માતાજીના લાઈવ દર્શન કરવાનો લાભ મેળવી શકશે.