બે પગવાળા આખલા શોધવાના છે માલધારીઓ

અમદાવાદ, રખડતાં ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી અવારનવાર કાઢવામાં આવે છે. ત્યારે હવે માલધારીઓ ગૌચરની જમીન મામલે આંદોલન પર ઊતરી આવ્યા છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈ સહિતના માલધારીઓ આજે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદિરની બહાર મોટી સંખ્યામાં ભેગા થયા હતા. એક તરફ એએમસીની ઢોર નિયંત્રણ પોલિસીમાં ઢીલાશને કારણે ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી તો હવે માલધારીઓએ પણ એએમસી સામે કમર કસી આંદોલન પર ઊતર્યા છે. ઉલ્લેખનીય છે કે ૧ ડિસેમ્બરથી ઢોર નિયંત્રણ પોલિસી લાગુ થઈ રહી છે. નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે અમારી માગ છે કે અમે વર્ષોથી રહેતા હોઈએ અને પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ, એ જગ્યાના ટેક્સબિલ અને લાઈટબિલના આધારે અમને લાઇસન્સ-પરમિટ આપવામાં આવે. થોડાં વર્ષો પહેલાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પશુ નોંધણીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા, જેનો હિસાબ માલધારીઓને આપવામાં આવે. આજે સવારે બાપુનગરના ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શન કરીને પશુપાલન બચાવો સમિતના નામે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. પશુ નોંધણીના નામે પરિવારદીઠ ૨૦૦ રૂપિયા લેખે જે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે એનો હિસાબ માગવા માટે મંગળવારે સવારે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે પહોંચીશું. ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પશુ નોંધણીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા, એની પહોંચ અમારી પાસે છે. આંદોલન રખડતાં પશુઓને પકડવા બાબતે નથી, પરંતુ પશુઓ રાખવા વ્યવસાય માટે જે દસ્તાવેજવાળી જગ્યા માગે છે એ બાબતે અમે રજૂઆત કરીશું. જાે દૂધનો વ્યવસાય કરવો હોય તો એના માટે દસ્તાવેજવાળી જગ્યા હોવી ફરજિયાત કરવામાં આવી છે. તો શું પાનની દુકાન-ગલ્લાવાળા સહિતના દુકાનદારો પાસે પણ લાઇસન્સ દસ્તાવેજવાળી જગ્યા હોવી જરૂરી છે? જાે આ બધાને લાગુ પડતું હોય તો અમને વાંધો નથી. અમારી માગણી છે કે આધારકાર્ડ, લાઈટબિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ બિલમાં જે સરનામું છે, એ જગ્યા પર લાઇસન્સ આપવામાં આવે. અમે અમારા ઘર પાસે ઢોર બાંધીને રાખી શકીએ. જાે છૂટાં ઢોર ફરતાં હોય તો એને પકડવામાં આવે, એની સામે અમારે કોઈ વાંધો નથી. ગૌચરની જમીન ક્યાં છે અને કેટલી છે એની તેમને ખબર છે. બે પગવાળા આખલા કોણ છે અને કોણ જમીન લઈ ગયું છે? એ બધી તેમને જાણ છે. તેઓ શોધી કાઢે તો ઠીક છે, નહીં તો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. આખો મોરચો પશુઓ સાથે ગૌચરની જમીન ઉપર પહોંચી જશે અને આ બિલ્ડિંગ જ્યાં બન્યું છે એ જમીન ગૌચરની છે અને એમાં હવે પશુઓને રાખો એમ કહીશું. રસ્તા ઉપર રખડતાં ઢોર પકડવાની કામગીરી સામે અમારો કોઈ વિરોધ નથી, પરંતુ માલધારીઓ પાસે પશુઓ રાખવાના દસ્તાવેજ માગવામાં આવે છે. આયોજનબધ્ધ આવું ઘડવામાં આવ્યું છે. ડેરીના સંચાલકો સાથે સત્તાધીશો મળી ગયા છે. અમે બધું જાણીએ છીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી આગામી અઠવાડિયે કરી નાખીશું. બે પગવાળા આખલાઓને શોધવાના છે. અમદાવાદનો વિસ્તાર સતત વધાર્યો છે. કોઈપણ પ્રકારનું આયોજન કર્યા વિના પશુઓ અંગે વિચાર કર્યા વિના તેમણે શહેરમાં વધારો કરી દીધો છે, જેના કારણે મુશ્કેલી પડી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution