નર્મદા-

સ્ટેચ્યુ ઓફ યૂનિટીની સ્થાપના કેવડિયા ખાતે કરવાનો મુખ્ય ધ્યેય સ્થાનિકોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ધ્યેયને પાર પાડવા UDS કંપનીએ ઉચ્ચ માપદંડો જાળવી રાખ્યા છે. તેમજ 400થી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવાનું ભગીરથ કામ કર્યું છે. આ કંપની દ્વારા દર મહિને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મીઓને સન્માનિત કરવામાં આવે છે.

લોકડાઉનની વિષમ સ્થિતિમાં પણ તમામ કર્મીઓનાં સ્વાસ્થ્યની કાળજી રાખી અને સતત મનોબળ વધારવાનું કાર્ય UDS કંપની કરતી રહી છે. આ મુજબ આ મહિને પણ ઉત્કૃષ્ટ કામગીરી કરતા કર્મીઓનું સન્માન કરાયું હતું.આ સન્માન કરવામાં આવેલા કર્મચારીઓમાં સિક્યુરિટી વિભાગમાંથી શૈલેષ તડવી, સેફ્ટી વિભાગમાંથી જીકુ તડવી, હોર્ટિકલચર વિભાગમાંથી ભદ્રેશ તડવી, હાઉસકિપિંગ વિભાગમાંથી જિતેન્દ્ર તડવી અને મમતા તડવી, એમઇપી વિભાગમાંથી સુખરામ તડવી, સિવિલ વિભાગમાંથી પંકજ તડવી, એકઝીબિશન વિભાગમાંથી નીમિષા તડવી અને બોટિંગ વિભાગમાંથી રાજેશ તડવીનું સન્માન કરાયું હતું.આ પ્રસંગે રાજેશ વિચારેએ કર્મચારીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, UDS કંપની હંમેશા પોતાના કર્મીઓના ઉત્થાન માટે ઉચ્ચ માપદંડોનું પાલન કરતી રહી છે અને આગળના સમયમાં પણ કરતી રહેશે.