કાબૂલ-

તાલિબાન આતંકવાદીઓના લોહીયાળ ખેલ અને અફઘાનિસ્તાનના અનેક જિલ્લાઓમાં કબજા કર્યા બાદ અમેરિકા એક્શનમાં આવી ગયું છે. અમેરિકન વાયુસેનાના યુદ્ધ વિમાનો અને ડ્રોને તાલિબાનના અનેક સ્થાનો પર આખી રાત હુમલાઓ કર્યા છે. અમેરિકન રક્ષા મંત્રાલય પેંટાગને આની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકન વાયુસેનાના પાછા ગયા બાદ અમેરિકા તરફથી કરવામાં આવેલો આ પહેલો મોટો હુમલો છે. અમેરિકાએ તાલિબાનને ચેતવણી આપી હતી કે જાે હિંસા બંધ ના થઈ તો તે એરસ્ટ્રાઇક કરશે.

રિપોર્ટ પ્રમાણે આ હુમલામાં એ સૈન્ય ઉપકરણો અને હથિયારોને નિશાન બનાવવામાં આવ્યા જેના પર તાલિબાને કબજાે કર્યો હતો. તાલિબાને આને અફઘાન સેના પાસેથી પડાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કંદહારમાં કરવામાં આવ્યો છે, જ્યાં તાલિબાન આતંકવાદીઓ સતત હુમલા કરી રહ્યા છે. અનેક લોકો એ પણ દાવો કરી રહ્યા છે કે આ હુમલામાં અમેરિકાએ પોતાના લાંબા અંતરના બોમ્બનો પણ ઉપયોગ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનીઓ સામે લડી રહેલી અફઘાની સેનાની મદદ માટે અમેરિકા કેટલાક દિવસથી અફઘાનિસ્તાનમાં હુમલાઓ કરી રહ્યું છે. અમેરિકાના હવાઈ હુમલાના સમાચાર ત્યારે આવ્યા છે જ્યારે એક દિવસ પહેલા અમેરિકાના સૌથી વરિષ્ઠ સૈન્ય અધિકારીએ માન્યું કે, તાલિબાને રણનીતિક ગતિ મેળવી લીધી છે અને અફઘાનિસ્તાનના ૪૦૦થી વધારે જિલ્લા કેન્દ્રોના લગભગ અડધા ભાગો પર તેનો કબજાે છે. પેન્ટાગનના પ્રેસ સચિવ જૉન કિબ્રીએ પત્રકારોને કહ્યું કે, “સ્પષ્ટીકરણમાં ગયા વિના હું એમ કહી શકું છું કે છેલ્લા કેટલાય દિવસમાં અમે અફઘાન રાષ્ટ્રીય રક્ષા તેમજ સુરક્ષા દળોની મદદ કરવા માટે હવાઈ હુમલા કર્યા, પરંતુ આ હુમલાની વ્યૂહાત્મક વિગતો પર વાત કરીશ નહીં.