વડોદરા,તા.૧૯

વડોદરા શહેરના ઐતિહાસિક આજવા સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે આજવા સરોવરમાં પાણીની સપાટી ઝડપભેર વધીને આજે સવારે ૨૧૧.૫૦ ફૂટ વટાવતા આજવા સરોવરમાંથી વધારાનું પાણી ૬૨ દરવાજામાંથી વિશ્વામિત્રી નદી તરફ વહેવાનું શરૂ થઈ ગયું હતુ. બીજી બાજુ વિશ્વામિત્રી નદીની સપાટી સવારે ૧૬.૨૫ ફૂટ હતી. આજવામાંથી પાણી આવવાના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વઘારો થવાની શરૂઆત થઈ હતી, જેના કારણે કોર્પોરેશનનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતુ. જાે હવે વધુ વરસાદ પડશે તો સ્થિતિ ગંભીર બને તેવી શક્યતા હતી. પરંતુ આજે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી છુટાછવાયા વરસાદને બાદ કરતા વરસાદે વિરામ પાળતા તંત્રએ રાહત અનુભવી છે. બીજી બાજુ હવામાન ખાતાની પણ બે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી નહીં હોવાથી તંત્રએ થોડાક રાહતની લાગણી અનુભવી છે. આજવા સરોવરમાં સરકારના નિયમ મુજબ ૧૫ ઓગસ્ટ સુધીમાં પાણીનું લેવલ ૨૧૧ ફૂટ થી વધુ રાખી શકાતું નથી, જેને ધ્યાનમાં રાખીને આજવા સરોવરના ૬૨ દરવાજાનું લેવલ ૨૧૧ ફૂટ ઉપર સ્થિર કરવામાં આવ્યું છે. જેના લીધે ૨૧૧ ફૂટથી વધુ જેટલું પણ પાણી હોય તે વહીને નદીમાં ઠલવાઈ જાય છે.૧૫ ઓગસ્ટ પછી સરકારની ગાઈડ લાઈન મુજબ ૬૨ દરવાજાનું લેવલ સેટ કરવામાં આવશે.જાેકે, આજવાની સપાટી સાંજ વઘીને ૨૧૧.૫૦ ફૂટે પહોેંચ્યા બાદ સ્થિર થઈ હતી.પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ સાંજે આજવામાં પાણીનો ઈનફ્લો ૨૨૫૦ ક્યુસેક હતો અને આજવા થી આઉટફ્લો ૧૧૦૦ ક્યુસેક હતો.જ્યારે આજવા ફીડર સહિત વિશ્વામિત્રીમાં કુલ આઉટફ્લો ૨૪૩૮ ક્યુસેક પાણી ઠલવાતુ હોંવાથી રાત્રે ૮ વાગે વિશ્વામિત્રી ની સપાટી વઘીને ૧૬ ફૂટે પહોંચી હતી.

આજવામાં ક્યારે કેટલુ પાણી ભરી શકાય છે ?

આજવા સરોવરમાં સરકારની ગાઈડ લાઈન મુજબ પાણી ભરવામાં આવે છે.જેમાં ૧૫ મી ઓગષ્ટ સુઘીમાં ૨૧૧ ફૂટ પાણી ભરવામાં આવે છે. ત્યાર બાદ સરકારની ગાઈડલાઈન મુજબ દરવાજાનુ લેવલ સેટ કરવામાં આવશે.

• ૧૫મી ઓગષ્ટ સુઘી ૨૧૧ ફૂટ • ૩૦ ઓગષ્ટ સુઘી ૨૧૨ ફૂટ • ૩૦ સપ્ટેમ્બર સુઘી ૨૧૨.૫૦ • ત્યાર બાદ ૨૧૨ ફૂટ