મુંબઇ 

દિવંગત સંગીતકાર વાજિદ ખાનની પત્ની કમલરુખે સાસરિયાવાળા પર ઉત્પીડન કરવા અને ધર્મ પરિવર્તન અંગે દબાણ કરવાનો આરોપ મૂક્યો છે. ખાને સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગે માહિતી આપી હતી. કમલરુખે લખ્યું કે હું પારસી છું. તે(વાજિદ) મુસ્લિમ હતા. અમારા લગ્ન થયા. અમે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પ્રેમ માટે લગ્ન કર્યા હતા. આ જ કારણ છે કે ધર્મ પરિવર્તન અંગે છંછેડાયેલી ચર્ચા મારા માટે રસપ્રદ છે. હું એક આંતરધાર્મિક લગ્નમાં પોતાના અનુભવ શેર કરવા માગુ છું કે એક મહિલા કેવી રીતે ધર્મના નામે મુશ્કેલી અને ભેદભાવનો સામનો કરે છે. આ સંપૂર્ણપણે શરમની વાત છે.

આ દરમિયાન કમલરુખે સોશિયલ મીડિયામાં એક ઓપન લેટર લખ્યો છે. આ નોટમાં તેણે વાજિદના પરિવાર પર ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે તેને હેરાન કરતી હોવાનો આક્ષેપ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન અંગે કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ખોટી રીતે, લાલચ આપીને, ધમકાવીને લગ્નના નામ પર છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે તો તેને ગુનો માનવામાં આવશે. આ કાયદો અમલી બન્યા બાદ કમલરુખે સોશિયલ મીડિયામાં પોતાની વાત કહી હતી. જોકે, કમલરુખના આ આક્ષેપો પર વાજિદના પરિવારે હજી સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી.

તેમની પોસ્ટ બાદ અભિનેત્રી કંગના રણૌતે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ મારા મિત્રની વિધવા છે. તેને પરિવાર દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. હું વડાપ્રધાનને પૂછવા માગુ છું કે જે લઘુમતી ડ્રામા નથી કરતા, રમખાણ નથી કરતા, કોઈનું માથું વાઢતા નથી, ધર્મ પરિવર્તન કરવા દબાણ નથી કરતા, તેમને આપણે કેવી રીતે સુરક્ષિત રાખીશું?

કમલરુખે કહ્યું હતું, 'ધર્માંતરનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે સરકાર આ મુદ્દે એકદમ ગંભીર છે.મારું નામ કમલરુખ ખાન છે અને હું સ્વર્ગીય મ્યૂઝિક ડિરેક્ટર વાજિદ ખાનની પત્ની છું. હું અને મારા પતિ લગ્ન પહેલાં 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં.

'હું પારસી છું અને તેઓ મુસ્લિમ હતા. અમે 'કોલેજ સ્વીર્ટહાર્ટ' તરીકે જાણીતા હતા. અમે જ્યારે લગ્ન કર્યાં ત્યારે અમે સ્પેશિયલ મેરેજ એક્ટ (એક એવો કાયદો જે હેઠળ તમે બીજા ધર્મમાં લગ્ન કરી શકો છો) હેઠળ કર્યાં હતાં. આથી જ એન્ટી કન્વર્ઝેશન બિલ મારા માટે ઘણું જ રસપ્રદ છે. હું મારી વાત કરવા માગું છું અને આંતરજ્ઞાતીય લગ્ન કરવાના મારા અનુભવ શૅર કરવા ઈચ્છું છું. ધર્મના નામ હેઠળ માત્ર મહિલા જ પૂર્વગ્રહ અને ભેદભાવ સહન કરે છે. આ ઘણું જ શરમજનક તથા આંખ ઊઘાડનારું છે.'

'મારો ઉછેર એક સરળ પારસી પરિવારમાં થયો છે. પરિવારમાં ડેમોક્રેટિક સિસ્ટમ હતી. વિચારોની સ્વંતત્રતા તથા હેલ્થી ડિબેટ થતી હતી. દરેક પ્રકારે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જોકે, લગ્ન બાદ આ જ સ્વતંત્રતા, શિક્ષણ તથા ડેમોક્રેટિક વેલ્યુ સિસ્ટમ મારા પતિના પરિવાર માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે.'