વડોદરા,તા.૨૬

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં પાણીના કકળાટથી ત્રાસેલી મહિલાઓએ અનેક રજૂઆતો કરવાત્તાં નિરાકરણ નહીં આવતાં આપ પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે માટલાં ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ક્રિશ્ચિયન મહોલ્લા, સંત જાેસેફ સોસાયટી, ફૂલવાડી સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાની બૂમો ઊઠી છે. આ સંદર્ભે અનેક વખત વોર્ડ કચેરી તથા પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ભરઉનાળે પાણીના ત્રાસથી તોબા પોકારી ઉઠેલી મહિલાઓ આજે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મહિલાઓ મોરચા સ્વરૂપે કોર્પોરેશનની વડી કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં મ્યુનિ. કમિશનર કચેરીના ગેટ પાસે માટલાં ફોડીને તંત્રની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આપ વડોદરા શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, કોર્પોરેશન નાગરિકો પાસેથી વેરો વસૂલે છે, પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાતાં નળ સે જળ યોજનાના પુરસ્કાર સંદર્ભે સવાલો ઉદ્‌ભવે છે. તો સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કામગીરી કરતું નથી અને અમે ટેન્કર મોકલી આપીએ છીએ તેમ કહે છે.

આર.વી.દેસાઈ રોડની સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યા ઃ રહીશોના દેખાવો

વડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટના પાછળ આર.વી.દેસાઈ રોડ પર દૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા છે. લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી દૂષિત પાણીની બોટલ સાથે વડોદરામાં તંત્રની બેદરકારી ઉજાગર કરી હતી. આર.વી.દેસાઈ રોડ પર પાણી અને ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ આજદિન સુધી આવ્યું ન હોવાના આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યા છે. આર.વી.દેસાઈ રોડ સ્થિત મહર્ષિ અરવિંદ કોલોની વારંવાર પાણી અને ડ્રેનેજની સમસ્યા ઉદ્‌ભવે છે. કેટલાક વર્ષોથી પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે. ડ્રેનેજલાઈન ચોકઅપ થવાની પણ બૂમો ઊઠી છે. આજરોજ સ્થાનિકોએ હાથમાં દૂષિત પાણી ભરેલા બોટલ સાથે તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. આ સમયે સ્થાનિક કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમા ટાંકીનો વાલ્વ બગડી જતાં પાણી વિતરણમાં મુશ્કેલી સર્જાઈ

વડોદરા, તા.૨૬

વડોદરા શહેરની સમા ટાંકીનો વાલ્વ બગડી જતાં ગઈકાલે અલગ-અલગ ચાર ઝોન વિસ્તારમાં સમયસર પાણી વિતરણ કરી શકાયું ન હતું. રિપેરીંગની કામગીરી બાદ પાણી વિતરણ કરાયું હતું તે મોડું અને ઓછા પ્રેશરથી આવતાં અંદાજે ૫૦ હજારથી વધુ લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.શહેરની સમા ટાંકી પરથી સમા ઉપરાંત ફતેગંજ, નિઝામપુરા વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવતું હોય છે. ગઈકાલે ટાંકી પરનો વાલ્વ બગડી જતાં સમા ટાંકી અંતર્ગત ચાર ઝોનમાં સમયસર પાણી વિતરણ કરાયું ન હતું. વાલ્વ બગડવાની માહિતી મળતાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી, જે મોડી રાત્રે ૧૧ વાગ્યે પૂર્ણ થઇ હતી. કામગીરી પૂર્ણ થયા બાદ રાત્રિના ૧૧ વાગ્યા બાદ પાણી વિતરણ કરાયું હતું. અસરગ્રસ્ત ચાર ઝોન પૈકી કેટલાક વિસ્તારમાં રાત્રે ૧૨ વાગ્યે પાણી આપવામાં આવ્યું હતું. પાણી મોડું તથા હળવા દબાણથી અપાતાં અંદાજે અડધો લાખ જેટલા નાગરિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જે લોકોને ત્યાં ટાંકી નથી તેવા લોકોને રાત્રે ઉજાગરા કરીને પાણી ભરવું પડયું હતું.