વડોદરા, તા. ૦૨

શહેરના ગોત્રી રોડ ઉપર રોડ ક્રોસ કરવા મુદ્દે મોપેડ સવાર યુવક અને એક્ટિવા ચાલક યુવતી વચ્ચે બોલાચાલી થતા યુવકે જાહેર રોડ ઉપર યુવતીને લાફો ઝીંકી દેતા હોબાળો થયો હતો. ઘટનાની જાણ ગોત્રી પોલીસને કરાતા ગોત્રી પોલીસે યુવક સામે એનસી ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરમા અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. તેવામાં આજ રોજ ગોત્રી હોસ્પિટલથી ગોત્રી તરફ જવાના માર્ગ પર રોડ ક્રોસ કરવા બાબતે બોલાચાલીની ઘટના બનતા તે પોલીસ મથક સુધી પહોંચી હતી. બનાવમાં બાઇક પર જઇ રહેલા ગોત્રી રોડ ઉપર રહેતા દત્તાત્રેય પરમાર અને યશ કોમ્પલેક્ષ પાસે રહેતી એક્ટિવા ચાલક યુવતીને રોડ ક્રોસ કરતી વખતે કોઇ બોલાચાલી થતા ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થયા હતા. બોલાચાલી થતી હતી તે સમયે બાઇક ચાલક દત્તાત્રેય પરમારે એક્ટિવા ચાલક યુવતીને જાહેર માર્ગ પર સણસણતો લાફો ઝીંકી દેતા હોબાળો થયો હતો. આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરતા ઘટના સ્થળે તાત્કાલીક ગોત્રી પોલીસ આવી પહોંચી હતી. સમગ્ર મામલો ગોત્રી પોલીસ મથકે પહોચ્યો હતો, ગોત્રી પોલીસે યુવતીના ફરિયાદના આધારે પોલીસે દત્તાત્રેય પરમારને ગોત્રી પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો અને તેની સામે એનસી હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં યુવતીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હું ઉભી હતી તે સમયે અજાણ્યો બાઇક ચાલક મારી પાસે આવ્યો અને લાફો મારતા હું ખસી જતા તેનો હાથ મને અડી ગયો હતો તેમ જણાવ્યું હતું.