અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી છે. જિલ્લામાં બંધ મકાન, દુકાન, શાળા અને હવે મંદિરને નિશાન બનાવતી તસ્કર ટોળકીઓ સક્રિય થતા રોજબરોજ ચોરીની ઘટનાઓ બનતા પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ પેદા કરી રહ્યા છે. તસ્કરોને ભગવાનનો પણ કોઈ ડરના હોય તેમ મંદિરોને પણ છોડતા નથી. મેઘરજના ઉંડવા ગામે આવેલ વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં તસ્કરો ત્રાટકી ભગવાનના ચાંદીના મુગટ અને દાન પેટીમાં રહેલી રોકડ રકમ લઈ રફુચક્કર થઈ જતા પૂજારી સહીત ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં તસ્કરો કળા કરી ગયાની જાણ મેઘરજ પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. શનિવારે રાત્રીના સુમારે રાજસ્થાનને અડીને આવેલા ઉંડવા ગામમાં આવેલા વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં તસ્કરો ત્રાટકી હાથફેરો કરી જતા તસ્કર ટોળકી સક્રિય થતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. ઉંડવા ભગવાન વિશ્વકર્માના મંદિરમાં ગત રાત્રીએ પૂજારી સેવા પૂજા કરી સુઈ ગયા હતા ત્યારે મોડી રાત્રીએ મંદિરના મુખ્ય દરવાજાની લોંખડની જાળીનું તાળું તોડી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ભગવાન વિશ્વકર્માના માથે શોભાયમાન બે ચાંદીના મુગટ અને દાન પેટીમાં રહેલી રોકડ રકમ મળી અંદાજે રૂપિયા ૫૦ હજારથી વધુ મુદ્દામાલની ચોરી કરી પલાયન થઇ જતા ભારે ચકચાર મચી હતી. મેઘરજ પોલીસે મંદિરમાં ચોરીની ઘટનાના પગલે દોડી જઈ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.