વડોદરા, તા. ૭

હરણીરોડ પર રહેતી બે જાેડિયા બહેનો કોલેજમાં જવાનું કહીને નીકળ્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થઈ ગઈ છે. આ અંગેની બંને યુવતીના પિતાએ પોલીસમાં જાણ કરવા છતાં ૫૦ દિવસ બાદ પણ ગુમ થયેલી બહેનોનો કોઈ પત્તો નહી લાગતા પરિવારજનોને હાલત કફોડી બની છે. બીજીતરફ આ બનાવમાં યુવતીઓના કોઈ સગડ નહી મળતા તેઓના પિતાએ રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહરાજ્ય મંત્રી અને પોલીસ વડા અને પોલીસ કમિ.ને રજુઆત કરી હતી.

હરણીરોડ પર મોટનાથ રેસી.માં રહેતા ૬૩ વર્ષીય ચીમનભાઈ કાનાભાઈ વણકર હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે અને તેમજ ૨૪ વર્ષીય બે જાેડિયા પુત્રી સારીકા અને શીતલ તેમજ એક પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે. તેમની બંને પુત્રીઓ પૈકી સારીકા મ.સ.યુનિ.માં એમ.એ.ના પ્રથમવર્ષમાં તેમજ શીતલ એસએનડીટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત ૧૭મી ફેબ્રુઆરીએ બંને બહેનો રાબેતા મુજબ કોલેજમાં જવા નીકળી હતી પરંતું મોડી સાંજ સુધી તે પરત ફરી નહોંતી અને બંનેના મોબાઈલ ફોન પણ સ્વીચઓફ થયા હતા. ભારે શોધખોળ બાદ પણ બંને બહેનોના કોઈ સગડ નહી મળતાં તેઓના ભેદી સંજાેગોમાં ગુમ થવાની તે જ દિવસે સાંજે સયાજીગંજ પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. જાેકે આવા ગંભીર બનાવમાં પણ પોલીસ દ્વારા બંને યુવતીઓના કોઈ સગડ મેળવી નહી શકતાં પરિવારજનોની હાલત કફોડી બની છે.

પુત્રીઓના ૫૦ દિવસ સુધી કોઈ જ સગડ નહી મળતાં આખરે વ્યથિત પિતાએ ગઈ કાલે રાજયના મુખ્યમંત્રી તેમજ ગૃહરાજ્ય મંત્રી, રાજયના પોલીસ મહાનિર્દેશક, શહેર પોલીસ કમિ. અને ધારાસભ્ય મનીષા વકીલને ઓનલાઈન અરજીમાં રજુઆત કરી હતી કે તપાસમાં ખુબ ઢીલાસ થતી હોવાની જામ થતાં ૨૩મી ફેબ્રુઆરીએ પોલીસ કમિ.ને જાણ કરાઈ છે તેમ છતાં તટસ્થ અને ઝડપી ન્યાયીક શોધખોળ થઈ નથી. શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા છે છતાં આ ઘટનાને કેવી રીતે અંજામ અપાયો તે બાબત કોઈ સર્વેલન્સ હાથ ધરાયું નથી. તેમણે નડિયાદમાં રહેતા કિશન સોલંકી સારીકાને હેરાનગતિ કરી ધમકી આપતો હોવાના આક્ષેપ કર્યો છે તેમજ કિશને તેના મિત્રોને સહકાર લઈ બંને છોકરીઓનું અપહરણ કરાયું હોવાની પણ શંકા વ્યક્ત કરી કિશનની ઉલટતપાસની માગણી કરી હતી.