વડોદરા, તા.૮

બરોડા ડેરીના પશુપાલકોને ભાવફેર આપવા મુદ્દે ઘમાસાણ સર્જાયા બાદ ધારાસભ્ય કેતન ઈનામદાર, શૈલેષ મહેતા, મધુ શ્રીવાસ્તવ અને અક્ષય પટેલને ગાંધીનગર બોલાવી બરોડા ડેરીના સત્તાધીશો સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું, જે સમાધાનના ભાગરૂપે બરોડા ડેરી દ્વારા પશુપાલકોને ૨૭ કરોડના ભાવફેર આપવાની જાહેરાત કરાતાં પશુપાલકો અને ધારાસભ્યોએ ખુશી વ્યક્ત કરી આજે સમા વિસ્તારમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો અભિવાદન સમારંભ યોજાયો હતો.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ઢોલ-નગારાના નાદ સાથે પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમજ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સૌને આવકાર્યા હતા. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ જેમણે ભાવફેર મુદ્દે લડત ચલાવી હતી, તે ચારે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ તેમજ વડોદરા શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદ્‌બોધન કરતાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે દેશને મજબૂત કરવો હોય તો ગામને મજબૂત કરવા પડશે. ગામને ભાગતા પશુપાલકો અટકાવે છે.