વડોદરા, તા. ૨૧

શહેરના હરણી લેક ઝોનમાં તા. ૧૮મી જાન્યુઆરીના રોજ બનેલી ગોજારી બોટ દુર્ઘટના બાદ હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરાઈ હતી. જેની સુનવણીમાં રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં ૪૦ તળાવોમાં બોટિંગ સહિતની અન્ય પ્રવુતિ ચાલી રહી હતી. જે પૈકી ૨૧માં સલામતીના સાધનોના અભાવના પગલે બંધ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં હાઇકોર્ટ દ્વારા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનો પણ અહેવાલ માગવામાં આવ્યો હતો, જેમાં પણ હરણી લેકઝોન ખાતે સુરક્ષાના સુપરવિઝનની જબાવદારી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેના જવાબમાં કોર્પોરેશન દ્વારા સુરક્ષા અંગે તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હોવાનું તેમજ સુપરવિઝનની વ્યવસ્થા ન હોવાનું સ્વીકાર્યું છે.

હરણી લેકઝોનમાં બનેલી ગોજારી ઘટના બાદ હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરાવમાં આવી હતી. જેની સાથે સાથે જ સરકારને પણ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં સરકારને રાજ્યભરના તળાવોની સ્થિતિ અંગે અહેવાલ રજૂ કરવા આદેશ કરાયો હતો. એટલું જ નહીં વડોદરા મ્યુનિ. કોર્પોરેશન અને હરણી લેક ઝોનના કોન્ટ્રાકટર વચ્ચે થયેલા કરાર અંગે પણ માહિતી રજૂ કરવા જણાવાયું હતું. હાઇકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં સરકારે પોતાની ભૂલ સ્વીકારી છે. સરકારે હાઇકોર્ટને એફિડેવિટ કરી હાઇકોર્ટના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેના જણાવ્યું હતું કે, રાજ્યમાં ૪૦ તળાવોમાં બોટિંગ સહિતની સુવિધાઓ હતી. જે પૈકીબ ૨૧ તળાવમાં સલામતીનાં કોઈ સાધનો જ નહોતાં. જેથી તે ૨૧ તળાવોમાં બોટિંગ બંધ કરાયું છે. જ્યારે ૧૯માં બોટિંગ ચાલી રહ્યું છે. તેમજ અમદાવાદમાં પણ નળ સરોવર અને અક્ષર રિવર ક્રુઝ ખાતે લાઇફ જેકેટની વ્યવસ્થા કરાઇ છે. બોટમેનને પણ લાયસન્સ આપવામાં આવશે.

સરકારે પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું છે કે, હરણી બોટ દુર્ઘટનામાં બધા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોની જરૂરી વિગતો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે. તેમજ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલી તપાસનો અહેવાલ પણ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો છે. તેની સાથે સાથે સરકાર દ્વારા રાજ્યમાં આવેલી વોટર બોડીઝ જ્યાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્‌સ હોય તેની માહિતી પણ કોર્ટને આપવામાં આવી છે. રાજ્ય સરકારના અર્બન વિભાગ દ્વારા ૧૩ મેમ્બરની કમિટીની રચના કરાઈ છે. જે કમિટી દ્વારા વોટર બોડીઝમાં પ્રવૃત્તિ માટે લીગલ ફ્રેમવર્ક, બાંહેધરી, નિયમો વગેરે બનાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

સરકારના એફિડેવિટ સામે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, હરણી લેકઝોનના કોન્ટ્રાકટર અને કોર્પોરેશન વચ્ચેના એમઓયુની વિગતો માંગવામાં આવી છે. જેમાં કોર્ટે સવાલ કર્યો છે કે, કયાં નીતિ નિયમો મુજબ કોન્ટ્રાક્ટરની બોટ ચલાવવા પરવાનગી આપવામાં આવી હતી, જેમાં કોર્પોરેશન દ્વારા કોઈ સુપરવિઝન રાખવામાં આવતું હતું કે કેમ? જેના જવાબમાં વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નકારાત્મક જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટર સાથે કરવામાં આવેલા એગ્રિમેન્ટ અને ટેન્ડરમાં સુરક્ષા મુદ્દે કોઈ જાેગવાઈ કરાઈ નથી.

તેમજ ઇન્સ્પેક્શન પણ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જ કરવામાં આવતું હતું. કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને બોટ ચલાવવા અને કમાણી કરવા માટે કોઈ દિશા નિર્દેશ વિના જ પરવાનગી આપી દેવામાં આવી હતી. કોર્ટ દ્વારા કોર્પોરેશન પાસે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ઉપર કોન્ટ્રાક્ટરને બોટ ચલાવવા આપી તેનું રિઝોલ્યુશન માંગવામાં આવ્યું છે.

લેક ઝોનમાં કોર્પોરેશને સુરક્ષાને મહત્ત્વ ન આપ્યું

હાઇકોર્ટ દ્વારા હરણી લેક ઝોનના કોન્ટ્રાકટર સાથે એમઓયુ બાબતે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ચર્ચા થઈ હતી કે કેમ? તે પ્રશ્ન કરાયો હતો. જેનો જવાબ પણ કોર્પોરેશન દ્વારા નકારાત્મક આપવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા સુપરવિઝન ઉપર ચર્ચા કર્યા વિના જ કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. તેમજ સેફ્ટીની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરને જ આપવામાં આવી હતી. એટલું જ નહીં સુરક્ષાને મહત્વ પણ આપવામાં આવ્યું ન હતું.

કલેક્ટરે અહેવાલ સુપરત કર્યો,

પછી શું?

૧૮મી જાન્યુઆરીએ ઘટના બન્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જિલ્લા કલેક્ટરને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી હતી. જેનો અહેવાલ ૧૦ દિવસમાં સુપરત કરવા આદેશ કરાયો હતો. જાેકે, જિલ્લા કલેકટર દ્વારા ૨૧ દિવસે અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. જે અહેવાલમાં શું ઉલ્લેખ કરાયો છે તે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જાેકે, અહેવાલ સરકાર દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

વાહનની જેમ બોટનું લાઈસન્સ જરૂરી ઃ કોર્ટ

વોટર બોડીઝમાં બોટ ચલાવવા માટે સરકાર તરફથી કોઈ સૂચનો આપવામાં આવે છે કે કેમ? તે અંગે હાઇકોર્ટ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તેની માહિતી મેળવીને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. કોર્ટે સરકાર પાસેથી વોટર બોડીઝમાં બોટને લઈને રેગ્યુલેટરી નિયમો માગ્યા હતા. કોર્ટ મિત્રએ બોટિંગ એક્ટિવિટીને લઈને લાયસન્સ સેફ્ટીના નિયમો, રજિસ્ટ્રેશન વગેરે કાયદા અંગે પ્રકાશ નાખ્યો હતો. જાેકે ઈન લેન્ડ વોટર બોડીઝ માટે કોઈ નિયમો ન હોવાનું ધ્યાને આવ્યું હતું. સ્વતંત્ર બોટ ચાલકો માટે પણ નિયમો ન હોવાનું ધ્યાને આવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, વાહનની જેમ બોટનું લાયસન્સ જરૂરી છે.

તમામ બોટમાં તરવૈયા અને લાઈફ જેકેટ ફરજિયાત કરો ઃ કોર્ટનો આદેશ

આ અંગે હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, તમામ બોટમાં લાઇફ જેકેટ તેમજ તરવૈયાઓ પણ હોવા જાેઈએ તેવી વ્યવસ્થા કરવાની રહેશે. આ સાથે જ તમામ બોટિંગ કરાવતી બોટનું લાયસન્સ રાખવું પણ ફરજિયાત છે. જેની સાથે જ દરેક બોટિંગ સ્થળ પર વધારાના તરવૈયા રાખવા. આ પ્રકારની ઘટના આગળ ન બને તેના માટે પણ સરકારે કાળજી રાખવી કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે.

બોટકાંડના મુખ્ય આરોપીનો પુત્ર વત્સલ શાહ ૬ દિવસના રિમાન્ડ બાદ આજે જેલભેગો

વડોદરા, તા.૨૧

શહેરના હરણી લેકઝોન બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહનો પુત્ર વત્સલ શાહની દેણા ચોકડથી ધકરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વત્સલ શાહના ૬ દિવસના રીમાંન્જ મંજૂર કર્યા હતા. આજ રોજ તેના રીમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

બોટ દુર્ઘટના થયા બાદ છેલ્લા એક મહિનાથી શાહ પરિવાર ભુગર્ભમાં ઉતરી ગયો હતો. શહેર પોલીસે બોટ કાંડના મુખ્યા આરોપી પરેશ શાહના પુત્ર વત્સલ શાહ, પત્ની નૂતન શાહ અને દિકરી વૈશાખી શાહની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે તેઓને કોણ આશરો આપ્યો હતો અને ક્યાં કયાં રોકાયા હતા. તેની આરોપીઓને સાથે રાખીને તપાસ કરવાની હોય છે. જેના ભાગરૂપે પોલીસે ત્રણેવને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે વૈશાખી શાહ અને નૂતન શાહના ૪-૪ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા, જયારે વત્સલ શાહના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજ રોજ વત્સલ શાહના રીમાન્ડ પુર્ણ થતા તેને વધુ રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જયારે કોર્ટે તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.