રાજુભાઇ સામે બે કેસની સુનાવણી હતી એટલે ભાજપની સ્ક્રીપ્ટ બોલ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ફેબ્રુઆરી 2026  |   1980

ગાંધીનગર, ખેડૂત નેતા અને ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા રાજુ કરપડાએ ગઇકાલે આમ આદમી પાર્ટી-’આઆપ’ના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજીને ‘આઆપ’ના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા તેમજ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સામે આક્ષેપો કરીને તેમને ભાજપની બી ટીમ ગણાવી હતી. ત્યાર બાદ ગોપાલ ઈટાલિયાએ પણ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, રાજુભાઈ સામે આજે બે કેસની સુનાવણી હતી એટલે તેઓ ‘આ આપ’ છોડી ગયા છે અને ભાજપે લખેલી સ્ક્રીપ્ટ મુજબ તેઓ બોલી રહ્યા છે. ‘આઆપ’માંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે ‘આઆપ’ના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને પક્ષના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પર પ્રહાર કરતા ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, જ્યારે હું જેલમાં હતો ત્યારે હું તેમાંથી બહાર નહીં આવું તે માટે ‘આઆપ’ના કેટલાક નેતાઓએ પ્રયાસ કર્યો હતો. વિસાવદરની ચૂંટણીમાં હું પોતે ઉમેદવાર હોઉં તે રીતે રાત-દિવસ મહેનત કરી હતી અને અમે ગોપાલભાઈને જીત અપાવી હતી. જે વ્યક્તિ માટે અમે રાત -દિવસ વિસાવદરમાં મહેનત કરી અને તે માણસ તેની ફરજ ચૂકી ગયા છે. ગોપાલભાઈ ક્યારેય ‘આઆપ’ પાર્ટીને ઉભી થવા નહી દે. જુ કરપડાએ કરેલા આક્ષેપો અંગે ‘આઆપ’ના નેતા ગોપાલ ઈટાલિયાએ પણ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ઈટાલિયાએ જણાવ્યું હતું કે, રાજુભાઈ પર ૩ કેસ ચાલે છે, તે પૈકીના બે કેસની ફાઈનલ સુનાવણી આજે હતી. તેથી ભાજપ તરફથી રાજુભાઈ પર પ્રેશર કરવામાં આવ્યું હતું કે, જાે તેઓ સ્ક્રિપ્ટ મુજબ ‘આઆપ’ પાર્ટી પર આક્ષેપો કરશે નહીં તો, આ કેસમાં તેના પર કંઈ પણ થઈ શકશે. જાે રાજુભાઈ આજે આ આરોપો ના લગાવ્યા હોત તો કોર્ટમાં તેને મોટી સજા પડવાની હતી. ડરના કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું છે. ઈટાલિયાએ જણાવ્યું હતું કે, રાજુભાઈએ અનેક રાજકીય પ્રકારના આરોપો, આક્ષેપો અમારી પાર્ટી પર કર્યા. કડદા કાંડને લઈને બનેલી ઘટનાઓ પર બધું જ કહ્યું. પરંતુ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી, જે વાત હું તમારા સુધી મૂકવા માગું છું કે રાજુભાઈએ આવું પગલું કેમ ભરવું પડ્યું? કારણ કે એમના ઉપર કુલ ત્રણ કેસો છે. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટમાં એમણે ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો છે. એક કેસ કલમ ૩૨૬નો એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ, હાથપગ તોડી નાખવાનો કેસ. જ્યારે બીજા બે કેસ જાનથી મારી નાખવાની કોશિશ (કલમ ૩૦૭) ના. જે ટાંટિયા તોડવાના કેસમાં એમને ૨૦૨૨ની ચૂંટણી પછી પાંચ વર્ષની સજા થઈ ચૂકી છે. જ્યારે એ સજા પડી ત્યારે પાર્ટીમાં ચર્ચા થઈ હતી. રાજુભાઈ ખૂબ ડરતા હતા હવે શું થશે? ત્યારે અમે બધાએ કહ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોર્ટમાં કાયદેસર લડશું અને આગળ વધશું. બાકી બે ૩૦૭ના કેસોમાં આજે તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ફાઇનલ દલીલની તારીખ હતી એટલે કે, કેસ નં. ૪૩/૨૦૧૮ અને ૪૪/૨૦૧૮ માં આજે આખરી ર્નિણય હતો. આ કેસમાં રાજુ કરપડા સહિત પાંચ આરોપીઓ હતા. આજે આખરી ર્નિણય લેવાનો હોવાથી ભાજપ તરફથી એમના ઉપર દબાણ કરવામાં આવ્યું હતું કે, જાે ૧૨મી તારીખે પ્રેસ કૉન્ફરન્સ કરીને સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. બંને કેસ અલગ છે, પરંતુ બંનેમાં એક જ દિવસે ફાઈનલ સુનાવણી હતી. એટલે લાચારીમાં, મજબૂરીમાં કે પછી ડરના કારણે એમણે આ પગલું ભર્યું હશે. ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આઆપ’ દ્વારા રાજુ કરપડાના સમર્થનમાં ૮ કિસાન મહાપંચાયતો કરી હતી. તેમજ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતે સમર્થન આપવા સુરેન્દ્રનગર આવ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજુ કરપડા અને પ્રવીણ રામને એક દિવસે જામીન મળ્યા હતા, પરંતુ રાજુ કરપડાને રાત્રે ૧૦ વાગ્યે જેલમાંથી બહાર કાઢયા હતા. જ્યારે પ્રવીણ રામને બીજા દિવસે બપોરે છોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં ઈટાલિયાએ જણાવ્યું હતું કે, જેલમાં રાજુ કરપડાને ક્યાં આઇપીએસ અધિકારી મળવા આવ્યા હતા તેની પાકકી વિગતો મારી પાસે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution