સિડની 

ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ માઉન્ટ માઉનગુઇમાં નવ માસ પહેલાં રમેલી મેચ બાદ જ્યારે ટીમ ઈન્ડિયા સિડનીમાં ઉતરી તો મેચના પરિણામમાં કોઈ જ બદલાવ જોવા ન મળ્યો. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે મેચની સીરીઝના પહેલા મુકાબલામાં 66 રનેથી ભારત હાર્યું. કોરોના કાળ દરમિયાન પહેલી ઈન્ટરનેશનલ મેચમાં મળેલી હારથી કેપ્ટન કોહલી જરા પણ નિરાશ નથી.

ટોસ જીતીને કાંગારુઓએ નિર્ધારીત 50 ઓવરમાં 375 રન બનાવ્યા. કેપ્ટન એરોન ફિંચ અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મીથે શાનદાર સેન્ચુરી મારી. ડેવિડ વોર્નર હાફ સેન્ચુરી બનાવીને આઉટ થયા તો ગ્લેન મેક્સવેલે પણ ધમાકેદાર બેટિંગ કરી. જેના જવાબમાં ભારતીય ટીમ 8 વિકેટ ગુમાવીને 308 રન જ બનાવી શકી. મેચમાં 21 બોલમાં માત્ર 21 રન બનાવી શકનાર કેપ્ટન કોહલીએ કહ્યું કે અમને અભ્યાસ માટે પૂરતો સમય મળ્યો હતો અને આ હાર માટે તેઓ કોઈ બહાનું નહીં જણાવે.

ભારતીય ટીમની વનડેમાં આ સતત ચોથી હાર હતી. ત્યારે આ હાર અંગે કોહલીએ કહ્યું કે, અમે ઘણાં લાંબા સમયથી ટી-20 ક્રિકેટ રમી રહ્યાં હતા. 25-26 ઓવર પછી અમારી બોડી લેંગ્વેજ ઢીલી પડી ગઈ. અમારે બોલિંગમાં પણ કેટલાંક પ્રયોગ કરવા પડ્યા. હાર્દિક પંડયા બોલિંગમાં સંપૂર્ણ રીતે ફીટ ન હતો. અમે તે તરફ કામ કરવાની જરૂર છે, જે કોઈ પણ ટીમને સંતુલિત કરવા માટે ઘણું જ જરૂરી છે. ઓસ્ટ્રેલિયા માટે સ્ટોઈનિસ અને મેક્સવેલ કરી રહ્યાં છે.

વિરાટે વધુમાં કહ્યું કે ટાર્ગેટને સિદ્ધ કરવા માટે પહેલાં એક યોજના બનાવી હતી જેના પર લગભગ તમામ બેટ્સમેનોએ મહેનત કરી. ટોપ-3 મોટી ઈનિંગ રમશે તેવી આશા હતી પરંતુ તે ન થઈ શક્યું. હાર્દિકની ઈનિંગ બધા માટે ઉદાહરણ સમાન છે. અમે આ મેચમાં પોઝિટિવ ક્રિકેટ રમ્યા છીએ અને આખી સીરીઝમાં આ પ્રયાસ કરતા જોવા પણ મળીશું તેવી આશા છે. હસતા હસતા કોહલીએ પોતે પણ બોલિંગ કરી શકે છે તેવા સંકેતો પણ આપ્યા.