લંડન-

બ્રિટનના ફાઈનાન્સ મંત્રી ઋષિ સુનક પોતાની સંપત્તિની સમગ્ર માહિતી ન આપવાને કારણે વિવાદોમાં ફસાયા છે. હકીકતમાં ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ ભારતના ફેસમ બિઝનેસમેન અને આઈટી કંપની ઈન્ફોસીસના સંસ્થાપક નારાયણ મૂર્તિના દીકરી છે. જેને કારણે ઈન્ફોસિસના ૦.૯૧ ટકા શેર અક્ષતા મૂર્તિ પાસે છે. જેની કિંમત અંદાજે ૪૩૦૦ કરોડ રૂપિયા કહેવામાં આવે છે. આરોપ છે કે, અક્ષતા મૂર્તિના પતિ અને બ્રિટનના હાલના ફાઈનાન્સ મંત્રી ઋષિ સુનકે સરકારી રજિસ્ટરમાં તેનો ખુલાસો કર્યો નથી. હકીકતમાં, ગત મહિને સુનકને તેમની સંપત્તિનો ખુલાસો કરવાની માંગ કરવામાં આવી હતી. જેમા ઋષિ સુનકે પોતાની પત્નીની સંપત્તિનો ખુલાસો કર્યો નથી. 

તો અક્ષતા મૂર્તિની સંપત્તિના ખુલાસા બાદ તેઓ બ્રિટનના સૌથી અમીર મહિલાઓમાંથી એક ગણવામાં આવે છે. અક્ષતાની સંપત્તિ બ્રિટનના મહારાણી કરતા પણ વધુ છે. સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટ અનુસાર, બ્રિટનના મહારાણી એલિઝાબેથની કુલ સંપત્તિ ૩૫૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. બ્રિટિશ મીડિયા અનુસાર, ઈન્ફોસીસ ઉપરાંત અક્ષતા અનેક કંપનીઓમાં પણ નિર્દેશક છે. ઋષિ સુનકની સંપત્તિ પણ અંદાજે ૨૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જે તેઓને બ્રિટનના સૌથી અમીર સાંસદ બનાવે છે. 

બ્રિટનમાં દરેક મંત્રીને પોતાના ફાઈનાન્શિયલ હિત જાહેર કરવા અનિવાર્ય છે. જેથી હિતના ટકરાવને રોકી શકાય છે. આ જ કારણ છે કે, અક્ષતાની સંપત્તિના ખુલાસા બાદ ઋષિ સુનક વિરોધીઓના નિશાના પર આવી ગયા છે. જોકે, બ્રિટિશ ફાઈનાન્સ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે, ઋષિ સુનકે મિનિસ્ટરીયલ કોડનું ઉલ્લંદ્યન નથી કર્યું. અક્ષતા મૂર્તિ અને ઋષિ સુનકના લગ્ન વર્ષ ૨૦૦૯માં થયા હતા. બંનેની મુલાકાત સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થયું હતું. ઋષિ સુનકના માતા ૬૦ના દાયકામાં પૂર્વીય આફ્રિકાથી બ્રિટન શિફ્ટ થયા હતા.