ચાલુ માસે વડાપ્રધાન મોદી-જિનપિંગ ત્રણ વાર વચ્ર્યુઅલી આમને-સામને આવશે
02, નવેમ્બર 2020 297   |  

દિલ્હી-

કોરોનાકાળમાં આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ભારત માટે નવેમ્બર મહિનો ખૂબ અગત્યનો સાબિત થવા જઈ રહ્યો છે જ્યાં આ મહિનામાં વિવિધ સમિટ અને બેઠક યોજાવાની છે.

લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ મહીને ત્રણવાર દુનિયાનાં મહત્વપૂર્ણ મંચ પર વચ્ર્યુઅલી આમને-સામને આવશે. શાંઘાઈ શિખર વાર્તામાં સૌથી પહેલા સામસામે આવશે, આ એસસીઓની બેઠક 10મી નવેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે જ્યારે 17મી નવેમ્બરના રોજ બ્રિકસની બેઠક થવાની છે જેમાં પણ બંને નેતાઓ આમનેસામને હશે. તે બાદ 21 અને 22મી નવેમ્બરે જી-20 બેઠક પણ થવાની છે.

નોંધનીય છે કે આ ત્રણ વિવિધ આંતરરાષ્ટ્રીય બેઠકમાં કોરોનાકાળમાં વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી નેતાઓ સામેલ થશે જેમાં બ્રિકસ અને એસસીઓની અધ્યક્ષતા ભારતનું મિત્ર રાષ્ટ્ર રશિયા જ કરવાનું છે જ્યારે જી-20 સમિટની શરૂઆત રિયાધ તરફથી કરવામાં આવશે. નોંધનીય છે કે ઘણા મહિનાઓથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમસીમા પર છે અને ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિક વચ્ચે થયેલા અથડામણ બાદથી જ બંને દેશો તણાવ ઘટાડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જાેકે આ મુદ્દે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે સરહદ પર કોઈ પણ પ્રકારે ફેરફારને સ્વીકારવામાં આવશે નહીં.  

ભારત અને ચીન વચ્ચે ઘણીવાર તણાવ ઘટાડવા માટે બેઠક થઇ ચુકી છે ત્યારે હવે નવેમ્બર મહિનો આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણથી ભારત માટે મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે ત્યારે ભારત આ મંચ પરથી કેવા મુદ્દા ઉઠાવે છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution