ગુજરાતનું આ મતદાન મથક ચાલુ જ રહેશે, નવા મહંત એકમાત્ર મતદાર

વેરાવળ- 

ગિર સોમનાથ જિલ્લામાં એકમાત્ર મતદાર ધરાવતું બાણેજ ઊના વિધાનસભા મતક્ષેત્ર હેઠળ આવે છે. ગિર જંગલની વચ્ચોવચ આવેલા આ મતદાન મથકમાં દર વખતે ખાસ પોલીંગ બુથ ઉભું કરાય છે. અને તે દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. છેલ્લે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં મહંત ભરતદાસબાપુએ મતદાન કર્યું હતું. બાદમાં એક વર્ષ પહેલાં તેમનું નિધન થતાં આ મતદાન મથક બંધ થવાની શક્યતા સેવાઇ રહી હતી. પણ હવે તેમની જગ્યાએ નવા મહંત હરીદાસજી ગુરૂ દર્શનદાસજી ઉદાસીન આવ્યા છે. તેઓએ બાણેજ બુથ નં. ૩ ઉપરથી પોતાનું મતદાર તરીકે નામ નોંધાવતાં ફરી એક મતદાર માટે આ બુથ ચાલુ રહે છે.

આથી આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતની સ્થાનિક ચૂંટણીમાં પણ આ બુથ ઉપર એક મત માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. રમિયાન ગિર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો, ૬ તાલુકા પંચાયતની ૧૨૮ બેઠક અને ૪ નગરપાલિકાના ૩૩ વોર્ડ માટેની ચૂંટણીની જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૮૧૬ મતદાન મથકોમાં ૩,૫૦,૪૧૦ પુરૂષ અને ૩,૨૭,૮૭૯ મહિલા મળી કુલ ૬,૭૯,૨૮૯ મતદારો છે. જ્યારે ૫ નગરપાલિકામાં ૧,૦૯,૯૩૫ પુરૂષ અને ૧,૨૧,૩૮૯ મહિલા મળી કુલ ૨,૩૧,૩૨૫ મતદાર નોંધાયા છે.

ચૂંટણીની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે કલેક્ટર અજય પ્રકાશની અધ્યક્ષતામાં એક તાલીમ યોજાવામાં આવી હતી. જેમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટેની પ્રકિયા, મતદાન મથકો તૈયાર કરવા, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો નક્કી થશે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૧૩૦ મતદાન મથકો ઉપર કુલ ૧,૩૪,૫૫૮ મતદારો છે. જેમાં ૬૬,૯૩૯ પુરૂષ અને ૬૭૬૧૯ મહિલા અને ત્રીજી જાતિના ૧ મતદારનો સમાવેશ થાય છે. ઊના નગરપાલિકાના ૯ વોર્ડમાં ૪૫ મતદાન મથકો છે. અહીં કુલ ૪૪૬૨૧ મતદારો છે. જેમાં ૨૨,૯૯૧ પુરૂષ અને ૨૧,૬૩૦ મહિલાનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution