લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026 |
2277
ધાડ, લૂંટ, અપહરણ, ખંડણી જેવા ગુનાઓ ઉપરાંત દેશદ્રોહી અને આતંકી પ્રવૃત્તિમાં દુરુપયોગની શક્યતાને લઇ જુના મોબાઇલ ફોન તથા વાહનો વેચનારાઓનો ડેટાબેઝ તૈયાર કરવા પોલીસ તંત્ર કામે લાગ્યું છે. એટીએસ દ્વારા કરાયેલા આદેશના પગલે સુરત સહિત તમામ શહેરોની એસઓજી હવે સેકન્ડ હેન્ડ વ્હીકલ્સ અને સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા લોકોનો તથા મોબાઇલ શોપના માલિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માંડી હતી. આ ધંધાર્થીઓને તમામ પ્રકારના વાહનોના તથા મોબાઇલ ફોનના ખરીદ વેચાણ તથા જુના અને નવા માલિકના ફોટો આઇડી સાથે રજીસ્ટર નિભાવવા તાકીદ પણ કરવામાં આવી રહી છે.
ગત નવેમ્બર મહિનામાં દિલ્હી ખાતે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાર્કિંગ લોટ પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં ૧૫ લોકોનાં મોત અને ૨૦થી વધુ ઘાયલ થયા હતા. બોમ્બ બ્લાસ્ટ બાદ પોલીસ તુરંત પગેરુ દાબી ન શકે એ માટે જુની પુરાણી આઈ ટ્વેન્ટી કાર ખરીદી તેનો ઉપયોગ કરાયો હતો. બે ત્રણ માલિકો બદલાઈ ગયા પરંતુ તેના રજિસ્ટ્રેશન રેકર્ડમાં કોઇ નામ ફેર કરાયા ન હોવાથી એ કાર અંગે માહિતી મેળવવામાં પોલીસને ઘણો સમય લાગ્યો હતો. તપાસકર્તા એજન્સી દ્વારા સંખ્યાબંધ ડોક્ટરોની ધરપકડ સાથે કરાયેલી પૂછપરછમાં આતંકવાદીઓ દ્વારા જુના વાહનોનો ઉપયોગ કરી એલઇડી સીરિયલ બ્લાસ્ટ, આત્મઘાતી હુમલો, લોન વુલ્ફ એટેક વિગેરે યોજના બનાવી ચૂક્યા હોવાના ચોંકાવનારા ખુલાસા થયા હતાં.
આતંકવાદીઓની આ મોડસ ઓપરેન્ડીને પોલીસે ગંભીરતાંથી લીધી હતી. રાજ્યના આતંકવાદ વિરોધી દળ એટલે કે એટીએસ દ્વારા તમામ શહેર અને જિલ્લા એસઓજીનાં આ સેકન્ડ હેન્ડ વ્હીકલ વેચાણ કરનારાઓના ડેટાબેઝ તૈયાર કરવા કામે લગાવી હતી. આ જ રીતે સેકન્ટ હેન્ડ હેન્ડ મોબાઇલ અને પ્રિએક્ટિવ સીમકાર્ડના ઉપયોગ બાબતે પણ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. આતંકી ગતિવિધિ જ નહીં ધાડ, લૂંટ, અપહરણ, ખંડણી જેવા ગુનાઓમાં પણ જુના વાહનો અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરાતો આવ્યો છે. આવી ગંભીર ઘટનાઓ રોકવા તથા ઘટે તો ત્વરિત કાર્યવાહી થઇ શકે એ માટે
જુના વાહનો અને મોબાઇલના ખરીદ વેચાણનો ડેટા કામ આવે એમ હોવાથી એ દિશામાં એટીએસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે.
એટીએસની સૂચના અનુસાર એસઓજી જુના વાહનો અને મોબાઇલનો વેપાર કરનારાઓને શોધવાના કામે લાગી છે. પોલીસ સ્ટેશન પ્રમાણે આ કામગીરી શરૂ કરાઇ છે. વાહનોની લે-વેચ કરનારાઓ તથા મોબાઇલની દુકાનોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે. સાથે જ તેઓ જેમની પાસેથી વાહન કે મોબાઇલ ખરીદે અને જેમને વેચાય એ વ્યક્તિનાં ફોટો આઇડી સાથેના રેકર્ડ મેઇન્ટેઇન કરવા તાકિદ કરાઈ રહી છે. વાહનોનાં ખરીદ વેચાણના કિસ્સામાં માલિક બદલાય એટલે તુરંત ખરીદ કરનારના નામે તે તબદિલ થઇ જાય, આરટીઓ રેકર્ડ ઉપર તેનું નામ ચઢાવી દેવાય એની તકેદારી રાખવા પણ આ ડીલર્સ કહો કે દુકાનદારોને કહેવાય રહ્યું છે.