નવી દિલ્હી:મહાકુંભમાં મૌની અમાવસ્યાના અમૃત સ્નાન પહેલા થયેલી નાસભાગ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શંકાના ઘેરામાં છે. યોગી સરકાર પર જે સવાલો ઉઠાવાઇ રહ્યા છે, તે હવે સંસદ સુધી પહોંચ્યા છે. વિપક્ષી સાંસદોએ મહાકુંભ નાસભાગ મામલે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર વિરુદ્ધ રાજ્યસભામાં સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, મહાકુંભમાં તાજેતરમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. ખડગેના આ દાવા પર ગૃહમાં હોબાળો થયો અને અધ્યક્ષ જગદીપ ધનખરે તેમને નિવેદન પાછું ખેંચવા કહ્યું.
અહેવાલમાં અનુસાર ખડગે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ઉપલા ગૃહમાં ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં મહાકુંભમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. જાેકે, તેમના નિવેદન પર શાસક પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ કહ્યું હતું કે, આ મારો અંદાજ છે અને જાે તે સાચો નથી તો તમારે સરકારે જણાવવું જાેઈએ કે સાચો આંકડો શું છે. મેં કોઈને દોષ આપવા માટે હજારો નથી કહ્યું. પરંતુ ઓછામાં ઓછા કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી આપો. જાે હું ખોટો હોઉં તો હું માફી માગીશ. તેઓએ કેટલા લોકો માર્યા ગયા અને કેટલા ગુમ થયા તેના આંકડા આપવા જાેઈએ.
ધનખડે ખડગે તેમનું નિવેદન પાછું લેવાની અપીલ કરી હતી. ધનખડે કહ્યું હતું કે, વિપક્ષના નેતાએ હજારોની સંખ્યામાં આંકડા આપ્યા છે. હું તેમને અપીલ કરું છું કે આ ગૃહમાં જે પણ કહેવામાં આવે છે તેનું ખૂબ મહત્ત્વ છે. તમે કંઈક એવું કહ્યું જેનાથી બધા ચોંકી ગયા. અહીંથી જે સંદેશ જાય છે, તેનું ખંડન થાય તો પણ આખી દુનિયામાં પહોંચે છે.
મહાકુંભમાં ૬ જગ્યાએ દુર્ઘટના ઘટી, સાચો મૃતાંક છૂપાવાયો ઃ શંકરાચાર્ય
મહાકુંભમાં મૌની અમાસના થયેલી ધક્કામુક્કીમાં ૩૦ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા જ્યારે ૬૦થી વધુ ઘવાયા હોવાનો દાવો રાજ્ય સરકાર અને પોલીસે કર્યો હતો. વ્યવસ્થાને લઇને સંતોમાં પણ નારાજગી જાેવા મળી છે. બદ્રીનાથ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, માત્ર એક જગ્યાએ નહીં પણ છ જગ્યાએ નાસભાગ થઇ, સરકારે ઘણી માહિતીને છુપાવીને ઠીક નથી કર્યું. યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવું જાેઇએ.
મહાકુંભમાં નાસભાગ ઃ સુપ્રીમે સુનાવણી નકારી હાઇકોર્ટમાં જવા કહ્યું
મહાકુંભમાં નાસભાગ કેસની સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. જાેકે, સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે, આ ઘટનાની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવી જાેઈએ. આ કેસની સુનાવણી સીજીઆઇ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચ દ્વારા કરાઇ હતી.
કુંભમાં મૃતદેહોને નદીમાં ફેંકી દેવાયાં ઃ જયા
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને પ્રયાગરાજના સંગમ નોઝ પર થયેલા અકસ્માત અંગે ઉત્તરપ્રદેશ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. જયા બચ્ચને દાવો કર્યો છેકે, અકસ્માત બાદ શ્રદ્ધાળુઓના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. તેનાથી પાણી પ્રદૂષિત થયું હતું. આ સમયે સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે? તે કુંભમાં જ છે. તેના માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી રહી નથી. આ એ પાણી છે જે લોકો સુધી પહોંચી રહ્યું છે. આ બાબત પરથી આખું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમની કોઈ વાત નથી થઈ, તેમને સીધા પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને આ લોકો (ભાજપ) જળશક્તિ પર ભાષણો આપી રહ્યા છે.