સુરત, સુરત શહેરમાં ટ્રાન્સપોર્ટની આડમાં ગાંજાનો જથ્થો ઘુસાડવાનાં નેટવર્કને ઝડપી પાડવામાં શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે વેડછા પાટિયા પાસે વોચ ગોઠવી ગાંજાનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક કરોડના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જયારે ત્રીજા આરોપીને ડીંડોલીમાંથી ઝડપી લીધો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી એક કરોડનો ગાંજા ઉપરાંત મોબાઈલ, રોકડા રકમ, ટેમ્પો મળી કુલ ૧.૧૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટેમ્પોમાં ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજાનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. જે ટેમ્પો વેડછા પાટિયા તરફથી સુરત શહેરમાં પ્રવેશ કરશે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રવિવારે પોણા સાતેક વાગ્યાના આરસામાં સુરત કડોદરા રોડ વેડછા પાટીયા વિનાયક પેટ્રોલપંપ નજીક માધવપાર્ક ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બાજુમાં વોચ ગોઠવી હતી.

આ દરમિયાન બાતમીમાં વર્ણનવાળો ટેમ્પો (એમ.એચ.૧૮.બીજી.૨૮૯૧) નજરે પડતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જેથી આખરે પોલીસે ટેમ્પો સાથે મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ (રહે. ખલીફા સ્ટ્રીટ અઘારીની ચાલ નાનપુરા) તથા મોહમદ યુસુફ ગોસ મોહમદ શેખ (રહે. ખ્વાજાના દરગાહ બડેખા ચકલા) અને અરૂણ સાહેબરાવ મહાડીક (રહે. ડિંડોલી)ને ઝડપી પાડયા હતા. ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પોમાંથી ૧૦૦.૨૯ કિલો વજનનો ગાંજા જેની કિંમત રૂપિયા ૧,૦૦,૯૨,૯૦૦, મોબાઈલ નંગ-૪, રોકડા ૭૭૦ અને અશોક લેલન કંપનીનો ટેમ્પો મળી કુલ રૂપિયા ૧,૧૨,૧૪,૬૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની પુછપરછ દરમિયાન કરેલી કબુલાતને પગલે ગાંજાનો જથ્થો મોકલનાર દિલીપ ગોડા (રહે. ઓડિશાના ગંજામના બરામપુર )ને વોન્ટેડ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસનું દબાણ વધતા ઓડિશાથી ગાંજાના સપ્લાયરો હવે ટ્રેનના બદલે ટ્રાન્સપોર્ટ મારફતે શહેરમાં ગાંજા ઘુસાડવાનો કિમીયો અપનાવ્યો છે પરંતુ પોલીસની નજરથી તેઓ ટ્રાન્સપોર્ટ મારફતે પણ શહેરમાં ગાંજાે ઘુસાડવાના પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા છે.

મોટા માથાઓનાં નામો ખુલવાની શક્યતા

ડીસીબી પોલીસે એક કરોડથી વધુની રકમના ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. જે બે પૈકી એક સુરતનો જ બડેખાંચકલાંનો છે. પોલીસે આખી રાત આરોપીની પૂછપરછ કરી હતી. જેમાં મોટા માથાઓના નામો ખુલવાની સંભાવના પોલીસ સેવી રહી છે. હાલ તો પોલીસે સુરતમાં આટલા મોટા પ્રમાણમાં ગાંજાે મગાવનાર કોણ છે? ગાંજા માટે ફાયનાન્સર કોણ છે? અગાઉ કેટલી વાર લાવ્યા અને સુરતમાં કોને કોને સપ્લાય કરવામાં આવે છે તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે.

આરોપીઓના ચાર તારીખ સુધીના રીમાન્ડ મંજુર

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોડીરાત્રે આખું નેટવર્ક ઝડપી પાડ્યા બાદ આજે બપોરે મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ, મોહમદ યુસુફ ગોસ મોહમદ શેખ અને અરૂણ સાહેબરાવ મહાડીક ને કોર્ટમાં રજુ કર્યા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓના આગામી તારીખ ૪ ડિસેમ્બર સુધીના રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રીમાન્ડ દરમિયાન સમગ્ર નેટવર્કમાં કોનો-કોનો હાથ છે,ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો, કેટલા સમયથી આ હેરાફેરી ચાલે છે તે તમામ દિશામાં તપાસ કરવામાં આવશે.