અમદાવાદ-

અમદાવાદના એલિસબ્રીજ પાસે ગઈ કાલે મોડી રાત્રે અકસ્માત થતાં એક સગીરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે સગીરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ૧૦૮ ઇમરજન્સી સેવા મારફતે વી એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ જમાલપુરની દાસ્તાન ની ગલીમાં રહેતો ૧૩ વર્ષીય આબીદ દાસ્તાન ગઈ કાલે રવિવાર હોવાથી પોતાની વ્યના બે છોકરાઓની સાથે એક્ટિવા ઉપર ફરવા નીકળ્યો હતો ત્યારે એલીજ બ્રિજ પાસે તેની એક્ટિવા સ્લીપ થઈ જતાં ત્રણેય જના નીચે પટકાયા હતા અને તે દરમિયાન પાછળથી આવી રહેલા ભારે વાહનની અડફેટે આબીદ આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે આબીદ ના અન્ય બે મિત્રો ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે હાજર લોકોએ તેમને ૧૦૮ ઇમરજન્સી મારફતે વી એસ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.