વડોદરા, તા.૨૩

વડોદરા શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોમાં આજે નવા ૩૬૫૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૯૯,૭૪૫ ઉપર પહોંચી હતી. જ્યારે આજે સયાજી હોસ્પિટલમાં ર અને ગોત્રી હોસ્પિટલમાં ૧ મળી વધુ ૩ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. આજે પાલિકાની ડેથ ઓડિટ કમિટીએ સત્તાવાર બે દર્દીઓના કોરોનામાં મૃત્યુ જાહેર કરતાં કોરોનામાં મોતનો મૃત્યુઆંક ૬૨૮ ઉપર પહોંચ્યો હતો.

હાલ શહેરમાં કુલ ૧૮,૦૭૨ કેસ એક્ટિવ છે જેમાં ૧૭,૬૨૩ હોમ આઈસોલેશન અને ૧૪,૬૨૦ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. ૧૩૩૦ જેટલા દર્દીઓની તબિયતમાં સુધાર થતાં તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૮૧,૦૪૫ થવા પામી હતી. હાલ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૪પ૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ દાખલ હોવાનું જાણવા મળેલ છે. જેમાં ૧૬ દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને ૧૩૪ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે.

તબીબી સૂત્રો મુજબ આજે દિવસ દરમિયાન આરોગ્ય વિભાગની સર્વેની ટીમો દ્વારા શહેરના વડસર, અકોટા, એકતાનગર, દંતેશ્વર, માંજલપુર, છાણી, રામદેવનગર, વાઘોડિયા રોડ, ગોત્રી, ગાજરાવાડી, કપુરાઈ, નવી ધરતી, જેતલપુર રોડ, મકરપુરા, બાપોદ, હરણી, કિશનવાડી, તાંદલજા અને શિયાબાગ વિસ્તારોમાં કોરોનાલક્ષી કામગીરી કરવામાં આવી હતી, જેમાં આજે દિવસ દરમિયાન ૧૨,૭૯૮ લોકોના ટેસ્ટ સેમ્પલો ચકાસણી માટે લેવામાં આવ્યા હતા, જેમાં નવા કેસો સામે આવ્યા હતા. આજે નવા આવેલા ૩૬૫૫ કોરોના કેસોમાં શહેરના ચારેય ઝોન વિસ્તાર અને ગ્રામ્યમાંથી ૭૭૯ સૌથી વધુ કેસ નોંધાયા હતા. અલબત્ત રોજબરોજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો કોરોનાની અસરથી પ્રભાવિત થયા હતા. કોરોનાએ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પગપેસારો કરતાં ગામડાના લોકો કોરોનાની ગાઈડલાઈનના ભંગ સાથે ફરતા હોવાથી કોરોનાના દર્દીઓ રોજબરોજ વધુ ને વધુ સામે આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

તે બાદ શહેરના દક્ષિણ ઝોનમાં ૭૬૦, પશ્ચિમ ઝોનમાં ૭૭૭, ઉત્તર ઝોનમાં ૭૨૧ અને પૂર્વ ઝોનમાં ૬૧૮ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં ઓછી અસર ધરાવતા દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. તો કેટલાકને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે જરૂરિયાતવાળા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લાયઝન અધિકારી ડો.રાઘવેન્દ્ર દીક્ષિતે સયાજી-ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી

તબીબી શિક્ષણના અધિક નિયામક અને કોવીડના સંદર્ભમાં વડોદરા શહેર અને જિલ્લાના લાયઝન અધિકારી ડો.રાઘવેન્દ્ર દીક્ષિતે આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોવીડ કેસોનું પ્રમાણ, ટેસ્ટિંગ સહિત પ્રવર્તમાન સ્થિતિ,સારવાર માટેની સજ્જતા અને ઉપલબ્ધ સાધન સુવિધાઓ નું વિવિધ સ્થળોની મુલાકાત લઈને વિગતવાર જાણકારી મેળવીને સમીક્ષા કરી હતી. તેમણે શહેર અને જિલ્લાના આરોગ્ય અમલદારો, સયાજી અને ગોત્રી હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, કોવીડ ફરજાે માટેના નોડલ અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. સયાજી અને ગોત્રી હોસ્પિટલો ખાતે તેમણે સંક્રમિત વ્યક્તિઓ માટે ઉપલબ્ધ બેડ,જરૂર પ્રમાણે વધારો કરવાની ક્ષમતા, આઈસોલેશન વોર્ડ અને તેમાં વ્યવસ્થાઓ, ઓક્સિજન ની માંગ અને પુરવઠાની વ્યવસ્થા,ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટસ ઇત્યાદિ નું નિરીક્ષણ કર્યું હતું અને કોવીડ મેનેજમેન્ટ સમિતિના સદસ્યો સાથે વિચાર વિમર્શ કર્યો હતો. તેમણે અકોટા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સયાજી નગર ગૃહ ખાતે રસીકરણ ની કામગીરી નિહાળી રસી લેવા આવેલા વડીલો સાથે સંવાદ કર્યો હતો.

સયાજી હોસ્પિટલનો વોર્ડ દર્દીઓથી ફૂલ થતાં કોવિડ કેર બિલ્ડિંગમાં શિફટ કરાયો

શહેર-જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને લીધે આજે શહેરની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા ઓપીડીમાં દિવસ દરમિયાન ૧૫૮ જેટલા દર્દીઓની સારવાર સાથે કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૬ર દર્દીઓના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. બે શંકાસ્પદ દર્દીઓ દાખલ કરવામાં આવતાં આજે સયાજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓની સંખ્યા બાવન ઉપર પહોંચી હતી. જાે કે, કોવિડના એમએનએચ વોર્ડમાં દર્દીઓની સંખ્યા ફૂલ થઈ જતાં અન્ય દર્દીઓને તાત્કાલિક સારાવર વિભાગના પ્રથમ માળે તૈયાર કરવામાં આવેલ કોવિડ માટેના ખાસ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના કેસોની સાથે દાખલ થતા દર્દીઓને ધ્યાનમાં રાખી સયાજી હોસ્પિટલનું વહીવટીતંત્ર સજ્જ અને એલર્ટ બની ગયું છે. આજે સારવાર દરમિયાન બે દર્દીઓના મોત નીપજ્યાં હતાં.