એન્થોનીને ભગાડવામાં મદદગારી કરનાર વધુ ત્રણ પકડાયા
10, મે 2022 396   |  

વડોદરા, તા. ૯

હરણીરોડ પર રહેતો કુખ્યાત ગેંગસ્ટર્સ મુકેશ હરજાણીનો શાર્પશુટર તેમજ ખેડુત સાથે ઠગાઈ કરી ધમકી આપવાના ગુનામાં છોટાઉદેપુરની સબ જેલમાં કેદ અનિલ ઉર્ફ એન્થોની ગંગવાણી ત્રણ દિવસ અગાઉ છોટાઉદેપુર પોલીસ હેડ ક્વાટર્સના જાપ્તા હેઠળ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવારના બહાને આવ્યા બાદ જાપ્તાના પીએસઆઈ ડામોર સાથે સાંઠગાંઠ કરી સયાજીગંજ વિસ્તારની પુજા હોટલમાં ગયા બાદ પત્ની, બહેન તેમજ અન્ય સાગરીતોની મદદથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો છે. આ બનાવમાં સયાજીગંજ પોલીસે આઠ આરોપીઓ સામે ગુનો નોંધી જાપ્તાના પીએસઆઈ ડામોર તેમજ પુજા હોટલના મેનેજર, રૂમબોય, એન્થોનીની પત્ની અને બહેનની ધરપકડ કરી છે.

દરમિયાન એન્થોનીને પુજા હોટલમાં હતો તે સમયે તેને અજય રામચંદ્ર ગાયકવાડ (ઉકાજીના વાડિયામાં,વાઘોડિયારોડ), મેહુલ ભરત ચાવડા (પુનિતનગર, વાઘોડિયારોડ) અને કશ્યપ રણજીત સોલંકી (સ્લમ ક્વાટર્સ,વાઘોડિયારોડ) મળવા માટે આવ્યા હતા અને તેને પોલીસ જાપ્તામાંથી ભગાડવામાં મદદગારી કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સપાટી પર આવતા સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ આર.જી.જાડેજાએ ઉક્ત ત્રણેય યુવકોને શોધી કાઢી તેઓની ધરપકડ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution