કાપોદ્રાથી અપહ્યુત ત્રણ વર્ષની બાળકીને ૫૦૦ કિલોમીટર દૂર તરછોડી દેવાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026  |   1980

કાપોદ્રામાં ઓવરબ્રિજ નીચે માતાની પડખે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે તુરંત તપાસ હાથ ધરતાં સીસી કેમેરા થકી અપહરણકારનું પગેરુ દાબી બાળકીને મધ્યપ્રદેશના રતલામથી ૫૦ કિલોમીટર દૂર બાજના ગામેથી શોધી કાઢી હતી. જો કે અપહરણકર્તા બાળકીને બાડના ગામે બસ સ્ટેન્ડ પાસે મૂકીને ફરાર થઇ ગયો હોય તેની શોધખોળ કરાઇ રહી છે. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકાના મીઠાપર તાલુકાના એક ગામની ૩૦ વર્ષીય પરિણીતા ત્રણ વર્ષની બાળકી સાથે બે દિવસ પહેલાં જ સુરત આવી હતી. સુરતમાં તેનાં પરિચિત વિક્કી સાથે સાથે છેલ્લા બે દિવસથી નાનાવરાછા બ્રિજ નીચે આવેલા શૌચાલયની ફૂટપાથ નીચે રહેતી હતી. ૨૦મી તારીખે કડિયાકામની મજૂરીનાં પહેલાં દિવસે કામ કરીને થાકી ગયેલી આ યુવતી રાત્રે આઠ વાગ્યે જ ગાઢ નિંદ્રામાં સરી પડી હતી. દરમિયાન રાત્રે એક વાગ્યાના અરસામાં અચાનક ઊંઘ ઉડી ગઇ હતી. પડખામાં સૂતેલી ત્રણ વર્ષીય બાળકી ગુમ જોવા મળી હતી. બાળકી ગુમ હોવાનું જાણી બૂમાબૂમ કરતા જ અહીં સૂતેલા બીજા લોકો પણ જાગી ગયા હતા અને બાળકીની શોધમાં લાગી ગયા હતા. કલાકોની શોધખોળ બાદ પણ બાળકી નહિ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મામલો બાળકીનો હોય કાપોદ્રા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. બાળકીની ભાળ મેળવવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરતા ત્રીસેક વર્ષ ઉંમરનો વ્યક્તિ બાળકીનું અપહરણ કરી જતો દેખાઈ આવ્યો હતો. આ યુવકે રાત્રે સાડા નવ વાગ્યે બાળકીને ઉપાડી હતી. બાદમાં તે રિક્ષામાં બેસી સીધો રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશનથી ૧૦:૧૦ વાગ્યે ઇન્દોર તરફ જતી દૌન્ડ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ગયો હતો. સીસી કેમેરા થકી આ મૂવમેન્ટ ટ્રેસ થતાં ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ઈન્દોર તરફ ૧૦ રેલવે સ્ટેશનો પર આર.પી.એફ. જી.આર.પી.એફ, રેલવે પોલીસ સાથે વાતચીત કરી રેલવે સ્ટેશનો ચેક કરવા સૂચના અપાઇ હતી.

સુરત ક્રાઈમબ્રાંચ દ્વારા અલગ અલગ ૭૦ માણસોની પાંચ ટીમ બનાવવામાં આવી હતી. આ પૈકી રતલામ પહોંચેલી ટીમે ત્યાંના સીસી કેમેરા ચેક કર્યા તો અપહરણ કરનાર યુવક એ બાળકીને લઇ રેલવે સ્ટેશનની બહાર નીકળી પેસેન્જર ટેમ્પોમાં બેસતો દેખાયો હતો. ટેમ્પો ગયો એ દિશામાં તપાસ આગળ કરાઇ તો તે આગળ જઇ બસમાં બેસી ગયાનું જણાયું હતું. પોલીસે આ બસ પણ આઇડેન્ટિફાઇડ કરી ડ્રાઇવરનો સંપર્ક કરતા તેણે એ યુવક બાળકીને લઇ રતલામની ૫૦ કિલોમીટર દૂર બાજના બસ સ્ટેશને ઉતર્યાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાજના પહોંચી અને બાળકીને શોધી કાઢી હતી.

બાજના બસ સ્ટેન્ડ પાસે શાકભાજી વેચનારી મહિલા પથદર્શક બની

રતલામમાં બસ ડ્રાઇવરને જણાવેલી માહિતીનાં આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમ તુરંત પચાસ કિલોમીટર દૂર બાજના ગામ પહોચી હતી. જ્યાં બસ સ્ટેન્ડ આગળ સી.સી.ટીવી ન હોય અહીંથી એ યુવક કંઇ દિશામાં ગયો હશે એ જાણવું મુશ્કેલ બન્યું હતું. આવામાં વહેલી સવારે ત્યાં હાજર લોકોની પુછપરછ શરૂ કરી હતી. જેમાં શાકભાજી વેચાણ કરતી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે ગઇકાલે સવારે એક વ્યક્તિ નાની બાળકીને અહીં મૂકીને જતો રહ્યો હતો, જેને અમે પોલીસને સોંપી દીધી હતી. આ કડી મળતાં ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં ખાતરી કરાતાં સુરતથી અપહરણ કરાયેલી બાળકી મળી આવી હતી.

બાળકીનું અપહરણ કોણે અને શા માટે કર્યું હતું એનું રહસ્ય હજી અકબંધ

અપહરણ બાદ પરિણીતાએ પોલીસને જણાવ્યું હતુ કે તે ત્રણ દિવસ પહેલા મોટી બે દીકરીઓને પતિ પાસે મૂકીનાની બાળકીને લઇ સુરત આવી અને વિક્કી સાથે રહેતી હતી. પરિણીતાએ ઓવરબ્રિજ પાસે જ પડ્યો પાથર્યો રહેતો પિન્ટુ અથવા તો તેણીનો પતિ જીવરાજ બાળકીને લઇ ગયાની આશંકા વ્યક્ત કરી હતી. જો કે તપાસમાં એ બંને નિર્દોષ જણાયા હતાં. બાદમાં સીસી કેમેરામાં અપહરણકાર દેખાયો પરંતુ તેની ઓળખ હજી થઇ નથી. એ યુવક શા માટે બાળકીને ઉપાડી ગયો અને કયા કારણો કે સંજોગોમાં તેણે એ માસૂમને બાજના બસ સ્ટેશન પાસે તરછોડી દીધી એનું રહસ્ય હજી અકબંધ રહેવા પામ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution