વલસાડ-

કોરોનામાં સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ બે લાખથી વધુ લોકોના મોત થયા છે. જેની પાછળ સામાન્ય જનને આરોગ્યની સવલત આપવામાં હાલની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપો આજે ધરમપુર તાલુકાના કાંગવી ગામે કોવિડ-19 ન્યાય યાત્રામાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કર્યા હતા. અમિત ચાવડાએ વિપક્ષ હોવાના નાતે સરકારની સામે આમ જનતાની સાથે રહી લોકોને ન્યાય મળે તે માટેની પહેલ કરવા કોંગ્રેસ સમિતિએ ન્યાય યાત્રા શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન મોતને ભેટેલા લોકોને ચાર લાખ રૂપિયાનું વળતર મળે તે માટે ગામેગામ ફરીને કોંગ્રેસના કાર્યકરો હવે ફોર્મ ભરાવશે અને તેમને ન્યાય અપાવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોરોના દરમિયાન સમગ્ર ભારતમાં 80 લાખ કરતાં વધુ લોકોના મોત નિપજ્યા છે, પરંતુ સરકાર સાચો આંકડો બહાર પાડવામાં આચકાઇ રહી છે, એટલું જ નહીં ગુજરાતમાં પણ ગામેગામ અનેક લોકોના મોત થયા છે. એક અંદાજ લગાવીએ તો ગુજરાતમાં બે લાખ કરતાં વધુ લોકોના મોત થયા છે અને જેની પાછળનું કારણ એક જ છે કે કોરોનાના સમયમાં આમ જનતાને સરકારી દવાખાનાઓમાં સારવાર આપવામાં તેમજ સુવિધાઓ આપવામાં ભાજપની સરકાર નિષ્ફળ નીવડી છે અને તેમની ગંભીર બેદરકારીના કારણે અનેક લોકોના મોત થયા છે.