રોજ ટિફિનમાં શું શાક ભરવું તેની માથાકૂટ છે, તો તમે ઘરમાં રહેલા બટાકાની મદદથી ફટાફટ દમ આલુનું શાક બનાવી શકો છો. તેને તમે ટિફિનમાં પરાઠા સાથે ભરી શકો છો. આ ગ્રેવી વાળું શાક હોવાના કારણે તમે તેને ભાત સાથે પણ સરળતાથી ખાઈ શકો છો. આ શાક સાથે અન્ય કોઈ ચીજની જરૂર પણ રહેશે નહીં. ચટપટું અને સ્વાદિષ્ટ આ શાક બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે.

સામગ્રી:

5 નંગ બટાકા,2 નંગ ડુંગળી ,2 નંગ ટામેટાં,6 કળી લસણ,1 ટી સ્પૂન જીરૂં,3 નંગ લીલા મરચાં,1 ટી સ્પૂન હળદર પાવડર,2 ટી સૂપન લાલ મરચું,2 ટી સ્પૂન ધાણા પાવડર,1 ટી સ્પૂન ગરમ મસાલો,1 તમાલપત્ર,મીઠું સ્વાદાનુસાર,તેલ જરૂર મુજબ,પાણી જરૂર મુજબ

રીત:

સૌપ્રથમ બટાકાને ધોઈને બે ભાગમાં કટકા કરી લો. ત્યાર બાદ તેને કૂકરમાં બાફી લો. પાંચેક સીટી વગાડો. આ દરમિયાન ડુંગળી, લસણ, લીલા મરચાં, હળદર, જીરૂં, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને પાણી ભેગું કરીને પેસ્ટ બનાવી લો. કૂકર ઠંડુ થઈ જાય એટલે બટાકા બહાર કાઢીને તેને છાલ કાઢી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં બટાકા લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેને કાઢીને એકબાજુ મૂકી દો. હવે ફરીથી પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂં અને તમાલપત્ર નાખો. હવે તેમાં પેસ્ટ નાંખીને દસેક મિનિટ માટે ચઢવા દો. હવે ટામેટાંની પેસ્ટ બનાવીને તેમાં ઉમેરો. બંનેને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ગરમ મસાલો નાખી ફરીથી બરાબર મિક્ષ કરો. તેને પાંચેક મિનિટ ચઢવા દો. હવે તેમાં ફ્રાય કરેલા બટાટા નાંખી ને ફરીથી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં જરૂર મુજબ પાણી નાંખીને ચઢવા દો. લગભગ ત્રણેક મિનિટ બાદ ગેસ બંધ કરી દો. લીલા ધાણાથી ગાર્નિશ કરો.