વોશિંગ્ટન-

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, લોકપ્રિય ચાઈનીઝ એપ ટિકટોકને જો કોઈ અમેરિકન કંપની ખરીદશે નહીં તો દેશમાં 15 સપ્ટેમ્બરથી તેના પર પ્રતિબંધ મુકાશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એપની ખરીદીના સોદાની નોંધપાત્ર રકમ સરકારી તિજોરીમાં જવી જોઈએ.

ટેકનોલોજી જાયન્ટ માઈક્રોસોફટ ટિકટોકની પેટન્ટ કંપની બાયરડાન્સ સાથે તેમાં અમેરિકન બિઝનેસ ખરીદવા વાટાઘાટ કરી રહી છે. પ્રમુખ ઈચ્છે છે કે માઈક્રોસોફટ હાલમાં 30% હિસ્સો ખરીદવાની વાટાઘાટના બદલે 100% હિસ્સો ખરીદે. આ મુદે તેમણે માઈક્રોસોફટના સીઈઓ સત્યા નાદેલા સાથે પણ વાત કરી હતી. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે મહત્વની વાતચીત કરી હતી. તેમણે (નદેલા)એ મને પૂછયું હતું કે સોદા વિષે હું શું માનું છું. મેં તેમને જણાવ્યું હતું કે ચીન દ્વારા સુરક્ષાના કારણોસર એ નિમંત્રીત રહેવી જોઈએ નહીં. એ ઘણી મોટી અને ઘૂસણખોર કંપની છે. માઈક્રોસોફટ હોય કે બીજી મોટી અમેરિકન કંપની એ ખરીદે એની મને પડી નથી. 30% ખરીદવા કરતાં આખી કંપની ખરીદવી કદાચ સરળ છે. 

તેમણે જણાવ્યું હતું કે તેમણે 15 સપ્ટેમ્બર આસપાસની તારીખ નકકી કરી છે. એ પછી તે (ટિકટોક) અમેરિકામાં બિઝનેસ બહાર થશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સોદો પતે એ માટે અમે મદદ કરી રહ્યા હોવાથી કિંમતનો નોંધપાત્ર હિસ્સો તિજોરીમાં જવો જોઈએ.