જેતપુર-

જેતપુરમાં રહેતા અને જુનાગઢની ખાનગી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અતુલ મગનભાઇ ઠુંમરે પોતાની વાડીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે. જેતપુરનાં જીંથુડી હનુમાન મંદિર નજીક આવેલી પોતાની વાડીએ જ ઝેરી દવા પી લીધી હતી. ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી છે. બાદમાં વાડીએથી મૃતદેહ મળી આવતા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનાં નિવેદન નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, લોકડાઉનના કારણે આર્થિક સંકડામણથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. 

અતુલના પિતા મગનભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું કે, મારો દીકરો બે સ્કુલમાં નોકરી કરતો હતો. બંન્ને સ્કુલમાંથી એક જ જગ્યાએ પગાર મળતો હતો. જેથી તે ચિંતિત રહેતો હતો. થોડા દિવસ અગાઉ અમને લાગ્યું કે, મારા દીકરાએ આર્થિક ભીંસની અસર તેના માનસ પર થઇ હતી. તે સતત ચિંતામાં રહેતો હતો. અતુલની પત્નીએ આક્ષેપ લગાવ્યો કે, મારા પતિનું નામ અતુલભાઇ ઠુંમર છે. તેઓ જીનીયસ પબ્લીક સ્કુલમાં નોકરી કરતા હતા. તેને ઘણા સમયથી પગાર ચુકવવામાં આવતો નહોતો. જેના કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. આ સિવાય અન્ય કોઇ સમસ્યા નહોતી. માત્ર આર્થિક સમસ્યાથી તેઓ ખુબ જ ચિંતામાં રહેતા હતા.