લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026 |
1881
સુરત શહેરમાં આવેલા ડીંડોલીમાં રહેતા એકાઉન્ટે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે તેની પત્ની તેમજ પિતા સાથેના ઝઘડા થતા હતા. પોલીસ તપાસમાં યુવકે ગૃહ કંકાસથી કંટાળી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ડીંડોલી ડી-માર્ટની સામે આવેલ પ્રયોશા જવેલમાં રહેતા ૩૭ વર્ષીય હિરેનકુમાર રમેશભાઈ પંડ્યા ખાનગી કંપનીમાં એકાઉન્ટની નોકરી કરતા હતા. હિરેનકુમારને સંતાનમાં એક પુત્ર છે. જે નવસારી ખાતે હોસ્ટેલમાં રહી ધોરણ-૬માં અભ્યાસ કરે છે. હિરેનકુમારનો તેની પત્ની તેમજ બારડોલી ખાતે રહેતા પિતા સાથે કોઈકને કોઈક વાતને લઈ ઝઘડાઓ થતા હતા. જે ઝઘડાઓને કારણે હિરેનકુમારની પત્ની છેલ્લા ૧૦-૧૫ દિવસથી પિયરમાં જતી રહી હતી. દરમિયાન હિરેનકુમારે ઘરે એકલતાનો લાભ લઇ બેડરૂમમાં છતમાં લગાવેલ લોખંડના હૂક સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્નીએ પતિને મેસેજ તેમજ ફોન કરતા તેઓએ ઉપાડ્યા ન હતા. જેથી ગઈકાલે રાત્રે પત્ની તેની ભાઈ સાથે ઘરે આવી હતી અને ઘરનો દરવાજો ખોલી અંદર જોતા હિરેનકુમાર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં હિરેનકુમારે ગૃહ કંકાસથી કંટાળી જઈ ૨૪ કલાક પહેલા આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.