વડોદરા, તા.૧
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કેટલ પોલિસીને મંજૂરી બાદ તેનો કડક અમલ શરૂ કર્યો છે. નવી કેટલ પોલિસીના ભાગરૂપે કોર્પોરેશન શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ નવા ઢોરવાડા બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. જે પૈકી એક નવાપુરા કેવડાબાગ પાસે સ્થળાંતર થયાં બાદ બંધ પડેલા સરદાર શાક માર્કેટમાં ઢોરવાડો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાેકે, રખડતાં ઢોરોની સમસ્યાના ઉકેલ માટે ભાજપા શાસકો નિરસ હોવાની ચર્ચા વચ્ચે નવા ઢોરવાડાની ફાઈલ ઢોર ડબ્બામાં ફેંકતા હવે સરદાર માર્કેટ તરફ નજર હોવોનું ચર્ચાઈ રહ્યંુ છે. તો બીજી તરફ ખટંબાની દરખાસ્ત અભરાઈએ ચઢાવાતા કમિશનર કેવડાબાગ પાસે નવા ઢોરવાડાનું આયોજન કરાયુ હોંવાનુ પણ કહેવાઈ રહ્યું છે. જાેકે, સરદાર માર્કેટમાં નવો ઢોરવાડો બનાવવા સામે અકોટાના ધારાસભ્યએ પણ વિરોધ કર્યો હોવાનું જાણવા
મળે છે.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નવી મંજૂર કરેલી કેટલ પોલિસીના અમલના ભાગરૂપે દરરોજ ત્રણ શિફ્ટમાં રસ્તા ઉપર રખડાતા ઢોરોને પકડીને ઢોર ડબામાં પૂરવામાં આવી રહ્યા છે. રસ્તે રખડતા પકટાયેલાં ઢોરોને કોર્પોરેશન દ્વારા લાલબાગ, ખાસવાડી અને વડોદરા નજીક ખટંબા ખાતે આવેલા બે મળી કુલ ૪ ઢોરવાડામાં રાખવામાં આવે છે. આ ચારેય ઢોરવાડાની ક્ષમતા ૧૧૦૦ જેટલા પશુઓની છે. ત્યારે નવાપુરા કેવડાબાગ પાસે આવેલા જૂનાં બંધ સરદાર પટેલ માર્કેટ ખાતે નવો ઢોરવાડો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરની મધ્યમાં આવેલા કેવડાબાગ સરદાર વલ્લભભાઈ પટેલ શાકભાજી માર્કેટ વર્ષો અગાઉ કાર્યરત હતું. તેને બંધ કરી સયાજીપુરા ખાતે લઈ જવામાં આવ્યું છે. વર્ષોથી ખાલી પડેલી માર્કેટની જગ્યામાં પાલિકા દ્વારા ઢોરવાડો બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. માર્કેટની જગ્યામાં ચારે બાજુ તારની ફેન્સિંગ કરી દેવામાં આવી છે. ઉપરાંત ઢોરવાડામાં લાવનાર ગાયો સહિતના પશુઓ માટે પાણીની સુવિધા પણ ઉભી કરવામાં ાવી છે. લાઇટિંગની કામગીરી સહિત અન્ય કામગીરી એક-બે દિવસમાં શરૂ કરવામાં આવશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતંુ.
શહેર બહાર ઢોરોને લઈ જવાની વાતો વચ્ચે શહેરમાં જ નવા ઢોરવાડા બનાવાશે !
વડોદરા કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરોની સમસ્યાના ઉકેલ માટે ખટંબા ખાતે બે કેટલ શેડ બનાવવામાં આવ્યા છે.જ્યારે અહીજ વધુ સુવીધા સાથે ઢોર રાખી શકાય તે માટે નવો કેટલ શેડ બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતીએ કોઈ નિર્ણય લીધા સિવાય અભરાઈએ ચઢાવી છે. ત્યારે શહેરની હદ બહાર ઢોરોને રાખવા માટેની વ્યવસ્થાની વાચો વચ્ચે હવે શહેરમાંજ ત્રણ ઢોરવાડા બનાવવાનુ આયોજન કરાતા લોકોમાં પણ આશ્ચર્યની સાથે ચર્ચાનો વિષય બન્યો છે.
સરદાર માર્કેટ સાથે મકરપુરા અને અટલાદરા ખાતે નવા ઢોરવાડા બનાવાશે
કોર્પોરેશન દ્વારા પકડવામાં આવતા પશુઓને રાખવા માટે વધુ ત્રણ ઢોરવાડા બનાવવામાં આવી રહ્યા છે. જેમાં અટલાદરા વિસ્તારમાં ૧૫૦ થી ૨૦૦ પશુઓની ક્ષમતા, માકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ૨૦૦ પશુઓની ક્ષમતા અને નવાપુરા કેવડાબાગ જુના સરદાર માર્કેટ ખાતે ૨૫૦ થી ૩૦૦ જેટલા પશુઓની ક્ષમતા સાથેનો ઢોરવાડો બનાવવામાં આવી રહ્યો છે.
ઢોરવાડો બનાવવા સામે ભાજપમાં પણ કેટલાકનો વિરોધ
કેેવડાબાગ સરદાર માર્કેટમાં નવો ઢોરવાડો બનાવવા સામે સ્થાનિક ભાજપાના કાઉન્સિલરોનો પણ વિરોધ હોવાનું જાણવા મળે છે. જાેકે, વોર્ડ ૧૩ના ભાજપાના મહિલા કાઉન્સિલરનો ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ રિંગ વાગતી રહી હતી. જ્યારે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ કહ્યંુ હતું કે, સ્થાનિક ભાજપાના કાઉન્સિલરોએ ઢોરવાડા સંદર્ભે રજૂઆત કરી હતી કે, અહી નજીકમાં સ્કૂલો આવેલી છે. ઢોરવાડો બનવાથી સમસ્યા સર્જાશે. તેને ધ્યાને રાખીને મેં પણ ઢોરવાડો અહીં નહીં બનાવી અટલાદરા એસટીપી પાસે મોટી જગ્યા છે. ત્યાં નવો ઢોરવાડો બનાવવો જાેઈએ તેવંુ સૂચન કર્યુ હતું.
સ્થાયી સમિતિ કે પછી સ્થૂળ સમિતિ?
સ્થાયી સમિતીમાં વિવિધ કામો જેવા કે પાણી, ડ્રેનેજ, ઢોરવાડા વગેરે બનાવવાના કામો આવે છે, પરંતુ લોકોને સુવિધા મળી શકે તેવા પાણી માટેનું વેલજી રત્ના સોરઠિયાની દરખાસ્ત, ખટંબા કેટલ શેડ બનાવવાનું કામ સહિત અનેક કામો પર કોઈ નિર્ણય નહીં લઈને બાજુએ મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે શહેરીજનોના વિકાસના કામોના નિર્ણય લેવા માટે મહત્વની એવી સ્થાયી સમિતી છે કે પછી સ્થૂળ સમિતી? તેવી ચર્ચા પણ પાલિકાની લોબીમાં થઈ રહી છે.
સ્થાનિક વેપારીઓનો વિરોધ આંદોલનની ચીમકી
સરદાર શાક માર્કેટમાં પાલિકા દ્વારા બનાવાઈ રહેલા ઢોરવાડા અંગે વિરોધ વ્યક્ત કરતા સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, અહીં ઢોરવાડા બનતા આ સરદાર શાક માર્કેટની જગ્યા ઢોરવાડા તરીકે ઓળખાશે. વિરોધની ઉપરવટ જઇને ઢોરવાડા બનાવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે સ્થાનિક કોંગ્રેસ કાઉન્સિલર બાળુ સુર્વેએ વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતંુ કે, ટ્રાફિકના ભારણના કારણે આ માર્કેટને શહેરની બહાર ખસેડવામાં આવ્યંુ હતંુ. તંત્ર દ્વારા અહીં ઢોરવાડો બનાવવાનો તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. ઢોરવાડાના કારણે અસહ્ય ગંદકી થશે. ત્યારે તાત્કાલિક અસરથી આ નિર્ણય રદ્દ કરવા માગ કરી છે.