મુંબઇ 

ભારત રત્ન લતા મંગેશકર ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯માં જન્મેલા છે.આજે તેમનો ૯૧મો જન્મદિવસ છે. તેમની કારકીર્દી છ દાયકા ચાલેલી છે. આમ તો તેમણે બીનફીલ્મી ગીતો પણ ગાયાં છે, પણ તેઓને તેમની ખ્યાતિ હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીતમાં સૌથી મોટું ગણાય છે. 

લતાજી એ ગુજરાતી ગીતો પણ ગાયા છે. જેમાં, 

• માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે ...

• દીકરી તો પારકી થાપણ કહેવાય ...

• વૈષ્ણવ જનતો ...

• હે કાનુડા તોરી ગોવાલણ ...

જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય છે.

લતા મંગેશકરનો જન્મ ઈંદોર, મધ્ય પ્રદેશમાં થયો હતો. તેમના પિતા, પંડિત દિનાનાથ મંગેશકર કે જે ગોવાના ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ છે, એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા. તેમની માતા શેવંતી (સુધામતી) દિનાનાથ ના બીજા પત્ની, જે થાલનેર, મહારાષ્ટ્રથી હતા. આ કુટુંબ હરદિકર અટક ધરાવતુ હતુ, ત્યારબાદ તેમના વતન ગોવામાં મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી. લતાજીનું બાળપણ નુ નામ "હેમા" હતુ. તેમના માતા - પિતાએ સ્ત્રી અક્ષર પછી તેમને લતા નામ આપ્યું.

‘પિતાજી જીવિત હોત તો કદાચ હું ગાયિકા ના હોત...’ આવું માનનારાં મહાન ગાયિકા લતા મંગેશકરે ઘણા સમય સુધી પિતા સામે ગાવાની હિંમત પણ નહોતી કરી. પછી તો પરિવાર સંભાળવા માટે તેમણે એટલા બધાં ગીતો ગાયાં કે, 1974થી 1991 સુધી સૌથી વધુ ગીત ગાનારાં ગાયિકા તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમનું નામ નોંધાયું. 

લતા માને છે કે, પિતાના કારણે જ તેઓ આજે ગાયિકા છે કારણ કે, લતાને સંગીત તેમણે જ શીખવ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે લતાના પિતા દીનાનાથ મંગેશકરને ઘણા સમય સુધી ખબર ન હતી કે તેમની પુત્રી ગાઈ પણ શકે છે. લતાને તેમની સામે ગાતાં પણ ડર લાગતો હતો. તે રસોઈમાં માતાને મદદ કરતાં અને ઘરની મહિલાઓને ગીતો સંભળાવતાં. એ વખતે માતા પણ તેમને ભગાડી દેતાં કારણ કે, લતાના કારણે એ મહિલાઓનું ધ્યાનભંગ થતું હતું.

પિતાના મૃત્યુ પછી લતાએ પરિવારની જવાબદારી સંભાળી અને બહેન મીના સાથે મુંબઈ આવીને માસ્ટર વિનાયક માટે કામ કરવા લાગી. 13 વર્ષની ઉંમરે તેમણે 1942માં ‘પહિલી મંગલાગૌર’ ફિલ્મમાં અભિનય કર્યો. કેટલીક ફિલ્મોમાં તેમણે હીરો-હિરોઈનની બહેનની ભૂમિકા કરી, પરંતુ અભિનયમાં તેમને રસ નહોતો. બાદમાં તેમણે ‘લવ ઈઝ બ્લાઈન્ડ’ માટે પહેલું રેકોર્ડિંગ કર્યું, પરંતુ આ ફિલ્મ અટકી ગઈ. આ દરમિયાન સંગીતકાર ગુલામ હૈદરે 18 વર્ષીય લતાને સાંભળી અને તેમણે લતાની મુલાકાત એ જમાનાના સફળ ફિલ્મ નિર્માતા શશધર મુખરજી સાથે કરાવી. મુખરજીએ સ્પષ્ટ કહી દીધું કે, લતાનો અવાજ ખૂબ તીણો છે, નહીં ચાલે. પછી ગુલામ હૈદરે જ લતાને ‘મજબૂર’ ફિલ્મમાં મુકેશ સાથે ‘અંગ્રેજી છોરા ચલા ગયા’ ગાવાની તક આપી. આ લતાનો પહેલો બ્રેક હતો. ત્યાર પછી લતાને અઢળક કામ મળ્યું. શશધર મુખરજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેમણે લતાને ‘અનારકલી’, ‘જિદ્દી’ જેવી ફિલ્મોમાં કામ આપ્યું. ‘ભારત રત્ન’ લતા મંગેશકરે 36 ભાષામાં 50 હજારથી વધુ ગીત ગાયાં છે. લતા 75 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે.