વડોદરા, તા. ૧૭

કલા, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે રાષ્ટ્રના નક્શા ઉપર મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા વડોદરા શહેરનો કાલે ૫૧૧મો સ્થાપના દિવસ. વિદેશી ઢબથી તૈયાર થયેલી અનેક ઐતિહાસિક ઈમારતો અને સ્થળો આજે પણ અડિખમ ઉભા છે ત્યારે વડોદરા પીપલ્સ હેરીટેજ ગ્રુપ દ્વારા શહેરના જન્મ દિન નિમિત્તે હેરીટેજ ફેસ્ટીવલનું આયોજન કર્યું છે. જેમાં શહેરના વિવિધ ઐતિહાસિક ઈમારતો સહિતની શહેરની ઓળખ સમાન વસ્તુઓથી લોકોને માહિતગાર કરશે.

વિશ્વામિત્રી નદીના તટે વસેલું અને ઐતિહાસિક ધરોહર ધરાવતં કલા અને સંસ્કૃતિ નગરી વડોદરા શહેરનો ૫૧૧મો સ્થાપના દિવસ. આવતી કાલે એટલે કે તા. ૧૮ નારોજ વડોદરા શહેરની સ્થાપના થઈ હતી. આઝાદી પૂર્વે થી મુગલો બાદ મરાઠા સામ્રાજ્ય આવતા શહેરને અનેક ઐતિહાસિક ધરોહરો વારસા રુપે મળી જે આજે પણ શહેરની ઓળખ છે. કમાટી બાગ, ચાર દરવાજા, યવતેશ્વર ધાટ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, લક્ષ્મીવિલાસ પેલેસ, ખંડેરાવ માર્કેટ, કિર્તી સ્તંભ, વિવિધ અખાડાઓ, લાઈબ્રેરી, મ્યુઝીયમ સહિતની અનેક ધરોહરો જેનો અભ્યાસ કરવા તેમજ તેને નિહાળવા માટે વિદેશથી લોકો આવે છે. આ ઐતિહાસિક ધરોહરો વિશે યુવા પેઢીને માહિતગાર કરવા માટે વડોદરા પીપલ્સ હેરીટેજ ગ્રુપ દ્વારા હેરીટેજ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટીવલ તા. ૧૮ થી તા. ૨૪ સુધી ચાલશે. જેમાં હેરીટેજ વોક , ક્રોક વોચ ,મ્યુઝીયમ વોક , હેરીટેજ ફૂડ વોક અને ફોટો એક્ઝીબીશન સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ૨૭ ફોટોગ્રાફર દ્વારા વડોદરા મૂડસ થીમ પર આધારીત ૭૨ જેટલા ફોટો પ્રદર્શનમાં મુક્યા છે.