વડોદરા, તા.૧૭

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજવા રોડ પર આવેલા લેપ્રેસી હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે આયોજિત કાર્યક્રમમાં રૂપિયા ૨૧,૫૦૪ કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે માતૃશક્તિ સહિત વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત ખેડા, આણંદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓનો અભિવાદન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે અને સભાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આવતીકાલે સવારે પાવાગઢવાળી જગત માતાના આશીર્વાદ લઈ વડાપ્રધાન સીધા વડોદરાના કાર્યક્રમમાં આવશે. તેઓ ખાસ કરીને સગર્ભાઓ તેમજ મહિલાઓના પોષણની કાળજી લઈને આરોગ્ય સાચવનારી, સંકલિત બાળવિકાસ યોજના હેઠળની બે નવીન યોજનાઓ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (ફાળવણી રૂપિયા ૮૧૧ કરોડ) અને પોષણસુધા યોજના (ફાળવણી રૂપિયા ૧૧૮ કરોડ)નું લોકાર્પણ કરશે.

ઉપરાંત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ ૧૫૩૫ કરોડના એક લાખ આવાસોનું ઈ-લોકાર્પણ તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂપિયા ૨૧૧૦ કરોડના ખર્ચે નિર્મિત અને નિર્માણ પામનારા ૪૧,૦૭૦ આવસોનું ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ અને ગૃહપ્રવેશ સાથે પાંચ જિલ્લાઓમાં પાણી પુરવઠા વિભાગના રૂપિયા ૩૯૫ કરોડના કામોનું ઈ-લોકાર્પણ, રૂપિયા ૧૨૨કરોડના આયોજિત વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા ૧૪૩ કરોડના સૂચિત વિકાસ કામોને સાકાર કરવા ભૂમિપૂજન, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા ૨૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા જિલ્લા પંચાયત ભવનોનું લોકાર્પણ, ઃરૂપિયા.૧૦૯ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા રસ્તાઓનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂરી કરવામાં આવી છે, જ્યારે સભાસ્થળે તેમજ આસપાસના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાર્કિંગથી સભા સુધી લોકોએ ૩૦૦ મીટરથી ૩ કિ.મી. સુધી ચાલવું પડશે

પીએમના કાર્યક્રમમાં સાડા પાંચ લાખ લોકો હાજર રહેશે અંદાજ છે. કાર્યક્રમમાં ૭ હજાર બસો અને ૧૨ હજાર ફોર વ્હીલર આવશે તેવા અનુમાન સાથે તંત્ર દ્વારા ૧૯ કેટેગરીમાં પાર્કિંગની વ્યવસ્થા કરી છે.જેથી લોકોએ પાર્કિંગથી કાર્યક્રમના સ્થળ સુધી પહોંચતાં ૩૦૦ મીટરથી લઇ ત્રણ કિલોમીટરનું અંતર કાપવું પડશે. પોલીસ તંત્રના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘પંચમહાલ-દાહોદ જિલ્લાના કાર્યકરોના વાહનોને પાંજરા પોળ પાસે પાર્કિંગ અપાયું છે. આ કાર્યકરોને એ ચાલી ને જનસભઆ સ્થળે પોંહચવું પડશે. જયારે ખેડા જિલ્લાના કાર્યકરોને દિન દયાળ ભવન પાસે પાર્કિંગ આપવામાં આવ્યું છે. જેમણે દોઢ કિલોમીટર સુધી ચાલીને કાર્યક્રમના સ્થળ સુધી જવાનું રહેશે. આ ઉપરાંત એલએન્ડટી સામે વડોદરા ગ્રામ્યના વાહનોને પાર્કિંગ અપાયું છે. આ કાર્યકરોને સવા કિલોમીટર ચાલીને સભા સ્થળે પહોંચવાનું રહેશે. વડોદરા ગ્રામ્યની બાજૂમાં જ છોટાઉદેપુર જિલ્લા માટે પાર્કિંગની જગ્યા અપાછે, કાર્યકરોને દોઢ કિલોમીટર સુધી ચાલીને કાર્યક્રમ સ્થળે પહોંચવું પડશે.શહેરમાંથી આવતા વાહનો માટે ૧૪ વિવિધ સ્થળે પાર્કિંંંગ રખાયુ છે.

પીએમ પ્રોટોકોલ મુજબ જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરાશે

 પીએમ જમશે તે પહેલા તે ભોજનનું ત્રણવાર ચેકિંગ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ પીએમને ભોજન આપતાં પહેલાં ફૂડ ટીમ એસપીજી સાથે મળીને નમુના ચેક કરશે. સરકારે ફુડ સેફટી ટીમ નિયુકત કરી છે. આ ટીમના ખાસ સભ્યોના નિરીક્ષણ હેઠળ ભોજન બનવાથી માંડી તેને પેક કરવા અને પીએમ સુધી પહોંચે ત્યાં સુધીની પ્રક્રિયા થશે. એક પૂર્વ સિનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, કેટરીંગ સામાન્ય રીતે એર-ઇન્ડીયાના ફાળે હોય છે. આ સંસ્થા જયાં ઓર્ડર આપે ત્યાં ફૂડ વિભાગનો સ્ટાફ પહોંચે છે અને તપાસ કરે છે. ચોક્કસ સુરક્ષા સાથે ભોજન તૈયાર કરાય છે. અને ભોજન બનતાં સુધી ફૂડ સેફટી ટીમ બારીકી થી ભોજન નું નિરીક્ષણ કરશે.

કયા કયા વિકાસના કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરાશે

• ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ રૂ.૧૫૩૫ કરોડના એક લાખ આવાસોનું થશે ઈ લોકાર્પણ.

• શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ.૨૧૧૦ કરોડના ખર્ચે નિર્મિત અને નિર્માણ પામનારા ૪૧,૦૭૦ આવસોનું ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ અને ગૃહ પ્રવેશ.

• ઊર્જા અને પેટ્રો રસાયણ વિભાગના રૂ.૫૩ કરોડના કામોનું ઈ લોકાર્પણ..

• પાંચ જિલ્લાઓમાં પાણી પુરવઠા વિભાગના રૂ.૩૯૫ કરોડના કામોનું ઈ લોકાર્પણ, રૂ.૧૨૨ કરોડના આયોજિત વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૪૩ કરોડના સૂચિત વિકાસ કામોને સાકાર કરવા ભૂમિપૂજન..

• માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૨૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા જિલ્લા પંચાયત ભવનોનું લોકાર્પણઃરૂ.૧૦૯ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા રસ્તાઓનું લોકાર્પણ

• વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.૨૪૩ કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને રૂ.૧૫ કરોડના નવા વિકાસ કામોનું ખાતમુહુર્ત..

• વડોદરા નજીક કુંઢેલામાં સ્થાપિત થનાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પરિસર નિર્માણનો શિલાન્યાસઃ

• ભારતીય રેલવે પ્રાયોજિત રાજ્યના વિવિધ જિલ્લાઓના રેલ સેવા વિકાસના રૂ.૧૦,૭૪૯ કરોડના કામોના ઈ લોકાર્પણ

• વડોદરા ખાતે દ્ગછૈંઇ કેમ્પસમાં આકાર લેનારી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનના નિર્માણ સહિત વિવિધ રેલ પથ નિર્માણના રૂ.૫૬૨૦ કરોડના કામોનો ઇ શિલાન્યાસ..

• મહિલા અને બાળ વિકાસ વિભાગની મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાનો રાજ્યવ્યાપી શુભ આરંભ..

•પોષણ સુધા યોજનાને વિસ્તારી ને ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં યોજનાનો પ્રારંભ

સભા માટે ૩૫૦૦ એસટી બસમાં રૂા.૧.૨૫ કરોડનું ડીઝલ વપરાશે

વડાપ્રઘાનની જાહેરસભામા મઘ્ય ગુજરાતમાં પાચ સહિત વડોદરા શહેર- જિલ્લામાંથી મોટી જનમેદની હાજરી આપે તેવી શકયતાઓ છે ખાસ કરીને શહેરનાં દુર વિસ્તાર અને જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં થીજનસભા સ્થળે એસટી વિભાગ દ્વારા અંદાજે ૪૦૦૦ જેટલી બસની વ્યવસ્થા કરી છે આ બસો જે તે ડેપોથી નીકળી નિયત કરેલા ગામ જશે ત્યાંથી સભામાં આવનારા લોકોને બેસાડી સભાસ્થળ પર આવશે અને પરત મુકવા જઈ પોતાના ડેપો જશે. જેને પગલે એક બસ અંદાજે ૨૦૦ થી ૨૫૦ કિલોમીટરનો અંદાજીત પ્રવાસ ખેડી શકે છે.એસટી વિભાગ દ્વારા તમામ બસની ડીઝલ ટેન્ક ફૂલ કરાવીને બસ મોકલવાનો આદેશ થયો છે . એક બસ ૨૦૦ કિલોમીટર થી વઘુ ચાલે તો અંદાજે ૪૦ લીટર ડીઝલ વપરાઈ શકે છે જે મુજબ ગણતા ૧.૫૦ લાખ લિટર ડીઝલનો ઉપયોગ થાય તેવી શકયતાઓ છે. જ્યારે તેની કિંમત ગણીએ તો ૧.૨૫ કરોડ જેટલી થવા જાય છે. આમ તો ૭૫૦૦ બસો દ્રારા લોકોને લાવવા અને મુકવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ખાનગી બસોનો સમાવેશ પણ થાય છે. ત્યારે ડીઝલનો કુલ ખર્ચ દોઢ કરોડ થવા જાય છે. વડોદરા એસટી વિભાગ દ્વારા હાલ આજવા રોડ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પુરાવવા માં આવી રહ્યું છે ત્યારે આ પેટ્રોલ પંપ બે દિવસ સુધી ૨૪ કલાક ચાલુ રાખવાનો આદેશ કરાયો છે.