નવી દિલ્હી 

શુક્રવારથી ફૂટબોલની ઈન્ડિયન સુપર લીગ(આઈએસએલ) શરૂ થઈ જશે. આઠ મહિના પછી ભારતમાં યોજાનાર આ પ્રથમ મોટી ટુર્નામેન્ટ હશે. કોરોના મહામારીને લીધે માર્ચ બાદથી દેશમાં સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ બંધ હતી. જોકે ગત એક-બે મહિનામાં અમુક ટુર્નામેન્ટ રમાઈ હતી પણ તે મોટાભાગની ઈન્ડોર કે ઓનલાઇન ટુર્નામેન્ટ હતી અને તેમાં ઇન્ટરનેશનલ ખેલાડી નહોતા. આઈએસએલ આટલા મોટા લેવલે યોજાનાર પ્રથમ ટુર્નામેન્ટ હશે. તેમાં 11 ટીમ ભાગ લેશે.

પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન એટીકે મોહન બાગાન અને કેરલા બ્લાસ્ટર્સ વચ્ચે રમાશે. 115 મેચ પછી આગામી વર્ષે માર્ચમાં લીગને નવો ચેમ્પિયન મળશે. કોરોનાને લીધે તમામ મેચ ગોવાના ત્રણ વેન્યૂ પર બાયો બબલમાં રમાશે. ફેન્સની એન્ટ્રી પર બેન છે. એટલા માટે ફેન વૉલ બનાવાશે. મેચ દરમિયાન બે એલઈડી સ્ક્રિન લગાવાશે જેના માધ્યમથી ફેન્સ લાઇવ મેચની મજા માણી શકશે.

સિઝનની સૌથી મોટી મેચ 27 નવેમ્બરે રમાશે. એટીકે મોહન બાગાન અને એસસી ઈસ્ટ બંગાલ વચ્ચે 100 વર્ષથી જૂની રાઈવલરી છે. એટીકે મોહન બાગાન પહેલીવાર રમશે. એટીકેએ આ વખતે અાઈલીગ ક્લબ મોહન બાગાનનો વિલય કર્યો છે.

લીગની તમામ મેચ ગોવાના ફાતોર્દા સ્ટેડિયમ, જીએમસી એથ્લેટિક સ્ટેડિયમ અને તિલક મેદાને સ્ટેડિયમમાં રમાશે. એટલા માટે ટીમને ઘરેલુ વેન્યૂનો ફાયદો નહીં મળે. અત્યાર સુધી 6 સિઝનમાં ઘરેલુ મેદાનનો સૌથી વધુ ફાયદો બેંગ્લુરુ એફસીને મળ્યો. તેની ઘરેલુ મેદાન પર જીતની ટકાવારી 67 છે. 

ટુર્નામેન્ટની પ્રાઈઝ મની ગત વખતથી 3.5 કરોડ રૂપિયા વધી ગઈ છે. ગત સિઝનમાં પ્રાઈઝ મની 15 કરોડ હતી જે હવે વધી 18.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ચેમ્પિયનને 8 કરોડ અને રનરઅપને 4 કરોડ મળશે. જ્યારે બંને સેમિફાઇનલિસ્ટને 1.5-1.5 કરોડ રૂપિયા અપાશે. ઉપરાંત મેન ઓફ ધી મેચ, મોમેન્ટ ઓફ ધી મેચ, ફિટેસ્ટ પ્લેયર ઓફ ધ મેચ, એમર્જિંગ પ્લેયર ઓફ ધી મેચ વગેરે એવોર્ડ પણ અપાશે.